સોશિયલ સાઈટો તેમજ લોકવાયકાઓ દ્વારા આ વર્ષે ચોમાસુ દોઢ ઘણું હોવાની અનેક વાતો ઉનાળાનાં અંતમાં સાંભળવા મળી આવતી હતી અને મેઘરાજાની જૂન માસનાં પ્રારંભમાં થયેલી ધમાકેદાર એન્ટ્રીથી લાગતું પણ એ જ હતું કે ચોમેર પાણી જ પાણી થઇ જવાનું છે. પરંતુ જૂન માસનાં મધ્યમાં થયેલ વરસાદ બાદ મેઘરાજા રીસાઈ જતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. મોટા ભાગનાં ખેડૂતો દ્વારા ઓરણી કરી નાંખી છે અને બે અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે છતાં પંથકમાં વરસાદના મિસકોલ આવે છે પણ કોલ આવતા નથી કે મન મૂકીને વરસતા પણ નથી જેને લઇ વાતાવરણમાં બફારો વર્તાઈ રહ્યો છે અને જેની અસર પ્રજાજનો સહિત સોયાબીન, કપાસ, અડદ અને મકાઇનાં પાક ઉપર તેની વિપરીત અસર વર્તાઈ રહી છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલા ઉપરવાસનાં વરસાદમાં જ બે કાંઠે વહેતી થઈ હતી અને હાલની પરિસ્થિતિમાં ભર ચોમાસે ઓરસંગ નદી કોરીકટ હાલતમાં જોવા મળી આવે છે અને આની સાથે અનેક કોતરો ખાલી દેખાઈ રહ્યા છે જેનો સીધો મતલબ એ થાય છે કે આ વિસ્તાર સહિત મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની અછત દેખીતી રીતે હોવાનું જણાઈ આવે છે. વરસાદનાં વિરામને લઈ પ્રજાજનો બફારાથી હાય તોબા પોકારી ઉઠયા છે અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાની વહેલી પધરામણી થાય તે માટે કુદરતને રીઝવવા માટેના પરંપરાઓ મુજબ કાર્યક્રમો પણ થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી આવેલ છે.
તૌફીક શેખ, છોટા ઉદેપુર
છોટાઉદેપુર પંથકમાં મેઘરાજાનાં ધમાકેદાર ટ્રેલર બાદ વિરામ લઇ લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે તો ભર ચોમાસે ઓરસંગ નદી કોરી જોવા મળી રહી છે.
Advertisement