રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઇમમાં વધારો થતો જાય છે. એ પછી ભાઇ-ભાઇ વચ્ચે હોય કે અડોશ-પડોશમાં હોય કે પછી કોઇ ધંધામાં હોય. નાની વાતમાં હુમલો કરવો એ જાણે સામાન્ય બની ગયુ હોય તેવુ લાગે છે. ક્યારેક આ નાની વાત મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે તેની ખબર પણ પડતી નથી અને જીવલેણ બની જાય છે. મોટા હથિયારો વડે જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારવુ આજે સામાન્ય બની ગયુ છે. ત્યારે આવો જ એક કિસ્સો છોટાઉદેપુર જિલ્લાના ઉગલિયા ગામમાં જોવા મળ્યો હતો. જ્યાં પાડોશીએ તીર વડે એવો હુમલો કર્યો છે કે જાણે આંખ વીંધી નાખી.
આ બનાવની વિગત મુજબ બે દિવસ પહેલા જ છોટાઉદેપુર જિલ્લાના ઉગલિયા ગામે દિલીપભાઇ ધામક પર તેમના પાડોશીએ તીર વડે હુમલો કર્યો હતો. તીરે તેની આંખને વીંધી, મગજમાં ઈજા પહોંચાડી હતી. તીરની ટોચ તેના મગજની મુખ્ય નળીઓની ખૂબ જ નજીક આવેલ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે જોઇને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને ખૂબ જ પડકારજનક ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
ડૉ. પાર્થ મોદી, ડૉ. અંકિત શાહ, ડૉ. વિનય અને ડૉ. શ્રુતિબ જુનેજા આમ ન્યુરોસર્જન અને ઑપ્થાલોમોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું,. લગભગ 3 કલાક ચાલેલી આ સર્જરી ખૂબ સફળ રહી હતી. જેમા તેની આંખ અને મગજની નળીઓ બંનેને બચાવવામાં આવી હતી. આ સફળ ઓપરેશન બાદ ડોક્ટર અને દિલીપભાઇના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર