પ્રાચીન સમયથી વિવિધ વાર તહેવારે મેળાઓ ભરાય છે. આપણી ભારતીય સંસ્કૃતિની શોભા વધારતી પ્રાચીન પ્રણાલીઓ હજી પરંપરાગત રીતે જળવાયેલી દેખાય છે. તેમાં મેળાઓનું પણ પોતાનું આગવું મહત્વ રહ્યુ છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો ગેરનો મેળો આદિવાસી સંસ્કૃતિનો અણમોલ વારસો ગણાય છે. ગેરના મેળાના નામે ઓળખાતો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ મેળો મનાય છે. હોળીના તહેવારની ઉજવણી અંતર્ગત ભરાતો આ ગેરનો મેળો પરંપરાગત ઉત્સાહ અને ઉમંગમય વાતાવરણ વચ્ચે ઉજવાયો.
વર્ષોથી ઉજવાતા આ ગેરના મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પિહા વગાડીને મેળાની મોજ માણે છે. કવાંટ ખાતે ભરાયેલા આ ગેરના મેળામાં મોટું માનવ મહેરામણ ઉમટયું હતું. મેળામાં વિવિધ ચીજ વસ્તુઓ વેચતા નાના મોટા વેપારીઓએ દુકાનો માંડી હતી. કવાંટ ખાતે ભરાયેલા આ ગેરના મેળામાં કેટલાક વિદેશી સહેલાણીઓ પણ મેળો મહાલવા આવ્યા હતા. કવાંટના ગેરના મેળામાં વહિવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ ગેરૈયા મંડળીનું સન્માન કરવામાં આવ્યું હતું. હોળી નિમિત્તે ગેર માંગતા ગેરૈયાઓ વિવિધ રંગબેરંગી વેશભૂષામાં ફરતા દેખાય છે.
કહેવાય છે કે માનેલી માનતા પુરી કરવા માટે પણ ગેરૈયા બનવામાં આવે છે. ગેર અને ગેરૈયા એ હોળીના તહેવાર સાથે વર્ષોથી સંકળાયેલી એક પરંપરા છે, જે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના એક નઝરાણા તરીકે હજી અકબંધ જળવાઇ રહી છે. છોટાઉદેપુરના કવાંટ ખાતે ઉજવાતા ગેરના મેળા ઉપરાંત કવાંટ તાલુકાના રુમડીયા ગામે પણ વર્ષોથી “ગોળ ફેરીયા ” નામે ઓળખાતો મેળો ભરાય છે. હોળીના તહેવાર અંતર્ગત ભરાતા આ પરંપરાગત મેળાઓમાં ઠેરઠેરથી લોકો મેળાની મોજ માણવા ઉમટી પડયા હતા. આમ આપણી પ્રાચીન ભારતીય પ્રણાલીની જાળવણી કરતા લોકમેળાઓએ હજી લોકમાનસમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ફૈજાન ખત્રી જિ. છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભરાતો વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો.
Advertisement