છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી વિવિધ વસ્તુઓના દરો નિયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન વિવિધ પક્ષો દ્વારા તેમના ઉમેદવારોના સમર્થનમાં સભા સરઘસ કરવામાં આવશે. તેમજ સ્ટાર પ્રચારકો પણ પ્રચાર અર્થે આવશે. ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચને નિયંત્રણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા નકકી કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને વિવિધ વસ્તુઓના દરો નિયત કર્યા હતા.
બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી મંડપ, બેરિકેટિંગ ફર્નિચર, લાઇટ, ઇલેકટ્રીક આઇટમ, ચા, નાસ્તો તથા ભોજન, ફુડપેકેટ, પ્રિન્ટીંગ અને છાપકામ, સ્ટેશનરીની આઇટમ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી, ફોર્મ્સ, બિલ્લા, સાઇનબોર્ડ, બેનર, હોર્ડિંગ્સ, મંડપ ડેકોરેશન, શામિયાણા અને ફર્નિચર તથા અન્ય વસ્તુઓના ભાવ દરો નિયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એસ.એમ.એસના દરો, હેલિકોપ્ટર અને હેલિપેડના દર, પ્રાદેશિક ટી.વી ચેનલ પ્રસારણના મંજૂર થયેલા દર, દૈનિક અખબારોમાં જાહેરખબર/પ્રકાશનના દર અને રેડિયો સ્ટેશનના મંજૂર થયેલા દરો અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારો દ્વારા આ નિયત કરવામાં આવેલા દરો પ્રમાણે જ ખર્ચ કરવામાં આવે તથા થયેલ ખર્ચની રોજે રોજ નોંધ કરવામાં આવે એ જરૂરી હોવાનું જણાવ્યું હતું. બેઠક દરમિયાન એકસ્પેન્ડીચર મોનિટરિંગ કમિટીના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અને અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં આચારસંહિતા અમલીકરણ સમિતિના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી, કાર્યપાલક ઇજનેર એ.આર.રાઠવા, સહાયક માહિતી નિયામક સી.એફ.વસાવા, મામલતદારો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર