લઠ્ઠાકાંડ કહો કે કેમિકલ કાંડ રાજ્યભરમાં ચકચાર મચાવી છે બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં રાજકારણે પણ એન્ટ્રી કરી લીધી છે વિપક્ષ સત્તાપક્ષને આ મામલે સતત ઘેરવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે લઠ્ઠાકાંડ બાબતે ‘આપ’ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજે ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સરકાર વિરુદ્ધ હાય હાયના નારા લગાવવામાં આવ્યા લઠ્ઠાકાંડ બાબતે પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઇ રાઠવાની અધ્યક્ષતામાં ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને ભાજપ હાય હાય, લઠ્ઠાકાંડ બંધ કરોના નારા લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. સી.આર.પાટીલ હાય હાય, હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
વધુમાં આવેદન માં જણાવાયું હતું કે લઠ્ઠાકાંડના કારણે 55 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કાંઈ થયું નથી. પાંચ દિવસ થોડી જગ્યાઓ પર રેડો પડે, બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પુરી થઇ જાય. આ આખા ગુજરાત માટે બહુ જ દુઃખદ ઘટના છે અને જનતા ખુબ જ આક્રોશિત છે. જે પરિવારમાં લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર કઇ રીતે પોતાનું ગુજરાન ચલાવશે ? વારંવાર આવી ઘટનાઓથી લોકોનો પ્રશાસન પરથી ભરોસો ઉઠી રહ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઈ રહ્યા છે. આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે. અમને આશા છે કે આપ રાજ્યપાલ આ મુદ્દે કોઇ પણ ભેદભાવ રાખ્યા વગર કડક પગલાં લેશો અને પીડિતોના પરિવારને ન્યાય અપાવશો.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર