બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી કોઈપણ જાતના તબીબી પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેકટર એચ.એચ.રાઉલજી ખાનગી રાહે બાતમી મળેલ તે આધારે ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે, અંતરીયાળ વિસ્તારમાં પ્રેક્ટીસ કરતાં આવા લેભાગુ તત્વો વધી ગયા છે. લગભગ આ સપ્તાહ માજ આ પચમો તબીબ ઝડપાયો છે. અગાઉ ડુંગરવાંટ, સુસ્કાલ, ચુડેલ અને મોટી આમરોલમાંથી પાવીજેતપુર પોલીસે બોગસ ડોકટરોને ઝડપી પાડ્યા હતા. તેમાં ગામ લોકો દ્વારા જણાવાઈ રહ્યું છે કે મોટી આમરોલમાં કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતો પલાસભાઈ નંની ગોપાલ મંડલને પાવીજેતપુર પોલીસે અગાઉ તા.૧૭/૦૭/૨૦૨૨ માં રોજ ઝડપ્યો હતો, પરંતુ ફરીથી પ્રેક્ટિસ કરી રહ્યો છે.
નાની બુમડી, બારીયા ફળિયામાં રહેતા સત્યજીત શ્રીકાંતભાઈ મંડલ છેલ્લા કેટલાક સમયથી નાની બુમડીમાં વગર ડિગ્રીએ તબીબી પ્રેક્ટિસ કરતો હતો. જેમાં દર્દીઓને દવા, ઈન્જેક્શન તેમજ ગ્લુકોઝના બોટલો પણ ચઢાવાતા હતા. ક્લિનીકમાં તમામ પ્રકારની સારવાર બોગસ તબીબ દ્વારા કરાતી હતી. દરમિયાન, ગુરુવારે સાંજે છોટાઉદેપુર એલ.સી.બી પોલીસે ક્લીનીક પર દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા આરોપી બોગસ તબીબે પોતાના કબ્જાના દવાખાનાનું કોઈપણ સમકક્ષ સંસ્થા એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ ચલાવી હતી અને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. પોલીસ દ્વારા દવા, ઈન્જેક્શન, તથા અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૩૨,૬૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર