છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા સૈડીવાસણ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી વંદે ગુજરાત વિકાસ રથયાત્રા આવી પહોંચતા ગામના નાગરિકો અને આગેવાનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજયમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું રાજય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ થીમ પર આયોજીત કરવામાં આવેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા રાજયના ગામે ગામ ફરીને લોકોને સરકારી યોજનાઓ અંગે માહિતી પુરી પાડી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ ગત તા. ૦૫/૦૭/૨૦૨૨ના રોજ સંખેડા ખતેથી રાજયના અન્ન અને નાગરિકો પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના રાજયમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા વંદે વિકાસ યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. છોટાઉદેપુર જિલ્લાની તમામ જિલ્લા પંચાયત બેઠકને આવરી લેતી આ વંદે ગુજરાત રથ યાત્રા કવાંટ તાલુકાના સૈડીવાસણ ગામે આવી પહોંચતા ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા રથયાત્રાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કવાંટના સૈડીવાસણ ગામે આવેલી રથયાત્રાના સ્વાગત બાદ પ્રાથમિક શાળા ખાતે રથના રોકાણ સમયે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ નામની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદે ગુજરાત ગાન પણ વગાડવામાં આવ્યું હતું. વિકાસ યાત્રા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ અને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર