બોગસ ડોકટરોની હાટડીઓથી છોટાઉદેપુર જિલ્લો ધમધમી રહ્યો છે. વિવિધ પોલીસ વિભાગ એક પછી એક બોગસ ડોકટરોને પકડી કાર્યવાહી કરી રહી છે છતાં પણ આ બોગસ તબીબો સુધારવાનું નામ નથી લેતા. ગરીબ આદિવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ગામડાઓમાં પોતાની હાટડી ખોલી ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે વધુ એક બોગસ તબીબ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ પણ જાતની ડીગ્રી વગર દવાખાનું ચલાવતો મળી આવ્યો હતો અને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એચ.રાઉલજીને બાતમી મળેલ તે આધારે જગ્યાએ રેઇડ કરતા જય રાજેન્દ્રનાથ વિશ્વાસ રહે.રંગપુર, પટેલ ફળિયા તા. જી.છોટાઉદેપુર, મૂળ રહેવાસી. ચાંદપુર ,બજાર ફળિયા જિ. અલીરાજપુર મૂળ વતની પશ્ચીમ બંગાળનાંને ઝડપી પાડયો હતો. જેને પોલીસે મેડીકલના સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો તથા અન્ય સાધનો સાથે મળી કુલ રૂ.૪૩,૨૧૫ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો તથા રંગપુર પોલીસ સ્ટેશન મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર