ગત 10 મી જુલાઈના રોજ છોટાઉદેપુરના ખૂંટાલીયા ગામે અને છોટાઉદેપુર નગરના ગ્લાસ ફેક્ટરી કંપાઉન્ડ ખાતેથી છોટાઉદેપુર પોલીસ રેડ દરમ્યાન કતલખાનામાંથી વધ કરાયેલ 17 જેટલા તેમજ 80 જેટલાં જીવિત ગૌ વંશ મળી આવ્યા હતા. જેમાં 9 આરોપીઓ વિરુધ્ધ છોટાઉદેપુર પોલીસ ઈન્સ્પેક્ટર વી એમ કામલિયાએ પશુ વધ ધારા હેઠળ ગુનો નોંધી 5 આરોપીની ધરપકડ કરી છે તેમજ ફરાર 4 આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કતલખાનાની ઘટનાને સંલગ્ન આજરોજ છોટાઉદેપુરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આરોપીઓ સામે સખતમા સખત કાર્યવાહી કરવા આવેદન પત્ર આપ્યું હતુ આમ આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચકચારી કતલખાના પકડાયા બાબતે શહેરના કેટલાક મુસ્લિમ સંગઠનો અને મુસ્લિમ સમાજના અનેક લોકોએ આ ઘટનાની નિંદા કરી હતી અને દોષીઓ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. આમ આજના આ બંધના એલાનમાં હિન્દુ -મુસ્લિમ તમામ વેપારિઓએ પોતાના ધંધા રોજગારનો વ્યવસાય બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો હતો મુસ્લિમ સંગઠનોએ પણ હિન્દુ સંગઠનનાં આ બંધના સમર્થનમાં જોડાઇ સહકાર આપ્યો હતો.
રેહાન પટેલ, છોટાઉદેપુર