છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના વિશાળ પટમાંથી આડેધડ થતા રેતખનનનો વિવાદ લાંબા સમયથી ચર્ચામાં છે. શિયાળો તેમજ ઉનાળાની મોસમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રેત ખનન મોટા પ્રમાણમાં થાય છે. મોટાભાગની આ રેત ખનનની પ્રવૃતિમાં સરકારી જરૂરી નિયમોનું ઉલ્લંઘન થતુ હોવાનો વિવાદ લાંબા સમયથી જિલ્લામાં ચર્ચામાં રહ્યો છે. પરંતું સ્થાનિક તેમજ તાલુકા જીલ્લાના સંબંધિત તંત્રના છુપા આશિર્વાદ રેત માફિયાઓને મળતા હોવાની બુમો ઉઠતી હોવા છતાં સંબંધિત અધિકારીઓ આ બાબતે મોટાભાગે મૌન ધારણ કરતા હોવાનું પણ દેખાતું હોય છે.
ઉપરાંત ચોમાસુ શરૂ થતાં પૂર્વે જિલ્લામાં મુખ્ય ધોરીમાર્ગ ઉપરાંત અન્ય માર્ગો નજીક તેમજ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં રેતીનો સ્ટોક કરીને ઢગલા કરાતા હોય છે. આ માટે ખાણ ખનીજ વિભાગની પરવાનગી લેવાની હોય છે. ચાલો માની લઈએ કે કેટલાક રેતી સંગ્રાહકોએ જરૂરી પરવાનગી લીધી હોય, પરંતુ રેતીનો જેટલો સ્ટોક કરવાની પરવાનગી મળી હોય એના કરતા ખાસો એવો મોટો જથ્થો પણ સ્ટોક કરાતો હોવાની વાતો પણ ઉઠવા પામી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પરવાનગી લીધેલ રેતીના ઢગલામાં કેટલા ટન રેતી સ્ટોક થઈ છે એની માપણી કરે છે ખરા ? આવી માપણી અત્યારસુધીમાં કેટલી વખત થઇ છે ? પરંતુ મોટાભાગના રેતી સંગ્રાહકો નિયમોની એસીકી તેસી કરીને ચોમાસામાં ઉંચા ભાવે રેતી વેચવાની લાલસામાં સરકારી નિયમો સાથે ચેડા કરતા હોય છે જે ગ્રામ પંચાયતોની હદમાં રેતીનો સ્ટોક કરવાનો હોય તે માટે જે તે પંચાયતની પણ મંજુરી લેવાની હોય એવો કોઈ નિયમ છે ખરો ? તાલુકાના અધિકારીઓ તેમજ જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ઉભા કરાતા રેતીના ઢગલાઓમાં કેટલા જરૂરી પરવાનગી લીધા મુજબના છે જો પરવાનગી લીધી છે તો પણ તે પરવાનગી મુજબનો જથ્થો જ રખાયો છે કે કોના બાપની દિવાળી જેવું થાય છે ? કેટલા ઢગલા એન એ થયેલી જમીનોમાં ઉભા કરાયા છે અને કેટલા સરકારી જમીનોમાં કરવામાં આવ્યા છે ? આ બાબતે ધારેતો તપાસ કરી શકે. આના માટે જીલ્લા સ્તરે આખો ખાણ ખનીજ વિભાગ ઉભો કરાયેલો છે એની ભુમિકા શું ? હાલમાં પણ ચોમાસા પહેલાથીજ મુખ્ય ધોરીમાર્ગ તેમજ અન્ય માર્ગો નજીક તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેતીનો સ્ટોક બતાડતા ઢગલાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાકીદે યોગ્ય રસ લઈને જરૂરી તપાસ અને કાર્યવાહી કરવા આગળ આવે. જો ખાણ ખનીજ વિભાગ લોક ચર્ચા અને લોક લાગણીને સંતોષ આપવા તટસ્થ અને ન્યાયિક તપાસ નહી આરંભે તો આમાં ખનીજ માફિયાઓ સાથે તેમની મિલિભગત હોવાની શંકા હકીકત બનીને બહાર આવી ગણાય ! ત્યારે જીલ્લા કલેક્ટર પણ વિશાળ લોક લાગણીને માન આપીને જવાબદાર તંત્રને આ બાબતે જરૂરી સુચના આપીને જાગૃત બનાવે તે ઈચ્છનીય ગણાય. તેમજ જો કોઈ જવાબદાર અધિકારી આમાં સંડોવાયેલા જણાય તો તેમને આ સંદર્ભે કોઈ બે નંબરની વધારાની આવકો તો નથી ઉભી કરીને તેની પણ તપાસ કરાવાય તો તે વાત આજના સંદર્ભે જરૂરી ગણાશે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર તા.૩૦ જુન’૨૨