છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓ વચ્ચે ફક્ત બોડેલી ખાતે એકમાત્ર સીએનજી પંપ હોવાથી વાહનચાલકોએ ભારે હાડમારી ભોગવવી પડતી હોવાની બુમો ઉઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે મોટાભાગના વાહનોમાં ઇંધણ તરીકે સીએનજી વપરાય છે. છોટાઉદેપુરના પાડોશી જિલ્લાઓમાં ઠેરઠેર સીએનજી પંપ કાર્યરત છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર બોડેલી ખાતેજ સીએનજી પંપ છે. એક જ પંપ હોવાથી વાહનચાલકોએ કલાકો સુધી લાઇનમાં તપવુ પડતુ હોવાની ચર્ચાઓ પણ વાહનચાલકોમાં ઉઠવા પામી છે. આ સીએનજી પંપમાં બુસ્ટર પધ્ધતિનો પણ અભાવ હોવાનું જાણવા મળ્યુ છે. જિલ્લાના તાલુકા મથકો ઉપરાંત મુખ્ય માર્ગો પર હાલ ઘણા બધા પેટ્રોલ પંપો આવેલા છે ત્યારે આ પેટ્રોલ પંપોના માલિકો કેમ પેટ્રોલ ડિઝલની સાથેસાથે સીએનજી પંપની સુવિધા ઉપલબ્ધ નથી બનાવતા? કે પછી આગળથી મંજુરી નથી મળતી? ગમે તે હોય, પરંતું જિલ્લાના તાલુકા મથકોએ સીએનજીની સગવડના અભાવે વાહનચાલકો અગવડ ભોગવી રહ્યા છે તે વાત તો સત્ય જ છે. ત્યારે જવાબદાર તંત્ર તાકિદે આ બાબતે યોગ્ય રસ લઇને જિલ્લાના મહત્વના મથકોએ સીએનજી ની સુવિધા ઉપલબ્ધ બનાવવા આગળ આવે તે જરુરી છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર