છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા વિડીયો કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સંયુકત બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓ દ્વારા રાજયના મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી જિલ્લાને સ્પર્શતી બાબતોના નિરાકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવતા જિલ્લાને સ્પર્શતી વિવિધ બાબતોના સકારાત્મક નિરાકરણની હૈયાધારણ આપી હતી. તેમણે જિલ્લાના સામાજીક, આર્થિક કે શૈક્ષણિક વિકાસ માટે સરકાર હંમેશા હકારાત્મકપણે કામ કરી રહી છે. પદાધિકારીઓ તરફથી આવેલી તમામ રજૂઆતોનું વહેલી તકે નિરાકરણ આવે એવી કામગીરી કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ પદાધિકારીઓ તરફથી મળેલી રજૂઆતો અંગે કરેલ કામગીરી અંગે પણ મુખ્યમંત્રીને અવગત કર્યા હતા. બેઠકમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, રેન્જ આઇ.જી એમ.એસ.ભરાડા, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, માજી સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના મેમ્બર ઉમેશભાઇ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, તાલુકા પંચાયતોના પ્રમુખો, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર