છોટાઉદેપુર નગરપાલિકાનાં સત્તાધીશોને લોકોના કર દ્વારા એકત્રિત થયેલ ફંડની કોઈ પડી નથી તેવું જણાઈ રહ્યું છે. તેથી જ લાખો રૂપિયાનાં ખર્ચે વસાવેલ મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. તેમજ શૌચાલયો પણ બિસ્માર હાલતમાં જણાઈ રહ્યા છે.
છોટાઉદેપુરમાં માર્ગ પરની ધૂળ સાફ કરતું પાલિકાનું મશીન ભંગાર હાલતમાં હાલ સ્વીપર મશીન ભંગાર હાલતમાં નગરપાલિકાના બંબાખાનામાં પડ્યું છે સ્વીપર મશીનના બ્રશ લાવવામાં પણ પાલિકા સત્તાધીશો ઉદાસીન, છોટાઉદેપુર નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા વિકાસમાં કામો માટે વર્ષો વર્ષ કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે તેમજ અનેક સંશાધનો જેવા કે રસ્તાઓ ઉપરની ધૂળ સાફ કરવાનું સ્વીપર મશીન, ટ્રેક્ટરો, પાણીના બંબાઓ, પાણીના ટેંકરો, કચરો લઈ જવાના વાહનો, એમ્બ્યુલન્સ જેવા કરોડોના અનેક વાહનો અપાય છે પરંતુ આવા સંશાધનોની ખરીદીમાં પણ મસમોટી ખાયકી થતી હોવાની ચર્ચા થતી રહે છે. પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી.
છોટાઉદેપુર પાલિકા દ્વારા પાંચ વર્ષ અગાઉ જાહેર રસ્તા ઉપરની ધુળ સાફ કરવા માટેનું મશીન આશરે 15 લાખ ઉપરાંતનું સ્વીપર મશીન વસાવવામાં આવ્યુ હતું, જેનો જુજ સમય ઉપયોગ કર્યા બાદ આ મશીન ભંગાર હાલતમાં પાલિકાના બંબાખાનામાં પડી રહ્યું છે. નગરના જાહેર રસ્તાઓ ઉપર દળના થર જામી ગયા છે. પરંતુ સ્વીપર મશીનના નજીવી કિંમતમાં બ્રશ લાવવામાં પણ પાલિકા સત્તાધીશો ઉદાસીન બનતા સરકારના લાખો રૂપિયાના મશીન ધુળ ખાઈ રહ્યા છે અને રસ્તા ઉપર પસાર થતા નાગરિકો શ્વાસમાં ધૂળ ગ્રહણ કરી શ્વાસના રોગના શિકાર બની રહ્યા છે. પાલિકાના ચીફ ઓફિસરે લોકઉપયોગી સાધનો ફરી કાર્યરત કરી પ્રજાના હિતમાં તેનો ઉપયોગ કરે તથા નગરમાં દરેક વોર્ડની ખુલ્લી ગટરોની સફાઈ કરાવે એ જરૂરી બન્યું છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર