નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના 285 ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટાઉદેપુરના 58 ગામો અને 1 નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ 343 ગામો તેમજ બે નગરની 12.48 લાખની વસ્તીની પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. 20 એપ્રીલે દાહોદનાં ખરોડ ખાતેથી આ યોજનાનું લોકાર્પણ કરશે.
રાજ્ય સરકાર રાજ્યના દરેક ગામ સુધી શુદ્ધ પાણી પહોંચાડવા કટીબદ્ધ છે. ત્યારે નર્મદા રીવર બેઝીન હાફેશ્વર આધારિત જૂથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુરનાં કવાંટ તાલુકામાં આવેલા હાફેશ્વર નજીક નર્મદા નદીના બેઝીનમાં ઉપલબ્ધ જળસંગ્રહનો ઉપયોગ કરી દાહોદનાં દક્ષિણ ભાગમાં ( મુંબઇ દિલ્હી રેલ્વે લાઇનની દક્ષિણે આવેલા ) દાહોદ તાલુકાના 49 ગામ, ગરબાડાના 34 ગામ, લીમખેડાના 33 ગામો, ધાનપુરના 90 ગામો, દેવગઢ બારીયાના 79 ગામો એમ કુલ 285 દાહોદનાં ગામો તેમજ દેવગઢ બારીયા નગરને તેમજ છોટાઉદેપુરના 58 ગામો તથા ૧ નગર તેમ કુલ 343 ગામ અને 2 નગરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ રાજ્ય સરકારે આણ્યો છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે, હાફેશ્વર યોજના અંતર્ગત બલ્ક પાઇપલાઇન તેમજ તે આધારિત 12 જુથ પાણી પુરવઠા યોજનાની જુદી જુદી 12 પાણી પુરવઠા યોજનાઓને 11 પેકેજોમાં વિભાજીત કરી રૂ. 839.87 કરોડના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
હાફેશ્વર યોજના અંતર્ગત છોટાઉદેપુરના હાફેશ્વર પાસે ઇન્ટેક સ્ટ્રકચર ઉભું કરી પાણી પમ્પ કરી બે બૂસ્ટીંગ સ્ટેશન દ્વારા 9410 મીટર દૂર મોટી ચીખલી ગામે બનાવેલા સ્ટોરેજમાં એકત્ર કરી ત્યાંથી બે ગ્રેવીટી મુખ્ય પાઇપલાઇન દ્વારા પાણી વહન કરવામાં આવે છે. જેમાં છોટાઉદેપુરના 58 ગામ તેમજ 1 નગર માટે મલાજા ગામ પાસે 46190 મીટર પાઇપલાઇન નાખવામાં આવી છે. આ પાઇપલાઇન થકી સીંગલા જુથ પાણી પુરવઠા યોજના થકી 19 ગામ અને મલાજા જુથ પાણી પુરવઠા યોજના થકી 39 ગામોને 3 આઉટલેટ દ્વારા પાણી પહોંચાડાઇ રહ્યું છે જયારે અન્ય ગ્રેવીટી મુખ્ય પાઇપલાઇન દ્વારા પાણી 62250 મીટર દૂર કેવડી મુકામે સબ હેડવર્કસ સુધી પહોંચાડાય છે. કેવડી સબ હેડવર્કસથી અન્ય રાઇઝીંગ મેઇન પાઇપલાઇન દ્વારા પાણી 31822 મીટર દૂર પીપેરો સબ હેડ વર્કસ સુધી પહોંચાડાય છે. આ લાઇન પર કંજેટા જુથ પાણી પુરવઠા યોજના 26 ગામ તેમજ લીમડી મેંધરી ગામે આઉટલેટ મુકવામાં આવ્યું છે. જયારે બાર અને પીપેરો જુથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અનુક્રમે 32 અને 22 ગામને સબહેડ વર્કસ ખાતે ફીલ્ટર પ્લાંટ બનાવી પાણી પુરૂ પાડવામાં આવે છે.
પીપેરો સબ હેડ વર્કસ પર બનાવવામાં આવેલા સમ્પમાંથી પાણી પમ્પ કરી 4148 મીટર દૂર આમલી બુસ્ટીંગ સ્ટેશન તથા 2360 મીટર દૂર કાંટુ બુસ્ટીંગ દ્વારા 6705 મીટર દૂર આવેલા સંગાસર હેડ વર્કસ સુધી પાણી શુદ્ધ કરીને જુદી જુદી 3 પાણી પુરવઠા યોજના થકી ચીલાકોટા ખાતે 27 ગામ જેસાવાડા ખાતે ૨૬ ગામ તેમજ ગાંગરડી ખાતે 11 ગામને પાણી મળ્યું છે.પાટાડુંગરી ડેમ આધારીત જુથ યોજના અંતર્ગત અહીં ઇન્ટેક સ્ટ્રકચર બનાવી ત્યાંથી ગરબાડાના મોહનખોબ તળાવ નજીક હેડ વર્કસ પર ફીલ્ટર પ્લાંન્ટ બનાવી શુદ્ધ પાણી ઊંચી ટાંકી દ્વારા પાટાડુંગરી જુથ યોજનાના 42 ગામોમાં પહોંચતા કર્યા છે . સંગાસર હેડવર્કસથી પાટાડુંગરી જુથ પાણી પુરવઠા યોજના માટે 18.50 કિમી લંબાઇની એક્ષપ્રેસ લાઇન નાખવામાં આવી છે.
આ યોજનાને સફળ બનાવવા માટે પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ, સભ્ય સચીવ, મુખ્ય ઇજનેર, અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર, અધિક મદદનીશ ઇજનરો દ્વારા અથાગ પ્રયાસો અને દિવસ રાતની મહેનતને અંતે આ યોજના સાકાર થઇ છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર