આજે છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં પાર્ટી અગ્રણીઓ દ્વારા જિલ્લાના કેટલાક વણ ઉકલ્યા પ્રશ્નો તેમજ આમ જનતાને પડતી તકલીફોનો ચિતાર વિસ્તારપૂર્વક રજુ કરવામાં આવ્યો. આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત સહિત વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાઓના બિસ્માર મકાનો તેમજ શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો અભાવ જેવા મુદ્દાઓ રજુ કરીને તેને અનુલક્ષીને દિલ્હીની શાળાઓની અને ત્યાંના શિક્ષણની સુવિધાઓ વિષે વાત કરવામાં આવી હતી. ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવા ઉપરાંત ઘણા સ્થળોએ શાળાના મકાનોની કામગીરી હજુ અધુરી હોવાનું જણાવ્યું હતું. આ શાળાઓમાં નસવાડી તાલુકાની તેતરકુંડી, નાળિયાબારા, સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત શિક્ષકોને કરાવાતા કેટલાક સરકારી કામોને લઇને બાળકોના શિક્ષણમાં બાધ આવતો હોવાની વાત કરવામાં આવી હતી. આવી શાળાઓનો અહેવાલ આપ દ્વારા વડાપ્રધાનને આપવામાં આવશે એમ પણ જણાવાયું હતું. શિક્ષકોને કરાવવામાં આવતી અન્ય કામગીરી બેકારી ભોગવતા યુવાનોને અપાય તો તેમને રોજગારી મળે. ઉપરાંત જુની પેન્શન યોજનાની વાત પણ કરવામાં આવી હતી, તેમજ સમાન કામ, સમાન લાયકાત, સમાન સમય રાજ્યના કર્મચારીઓ આપતા હોવાથી નવા કર્મચારીઓને અન્યાય શા માટે? એવો મુદ્દો પણ રજુ કરાયો હતો. આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લાના વિવિધ વિસ્તારોના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર