છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોરીયાદ પાસે આવેલ ખડકીયા(બો) શાળામાં સોલંકી સુનીલભાઈ જેન્તીભાઈ છેલ્લા ૨૦ વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. ગત તારીખ ૩૧ મીના રોજ બપોરના સમયે આચાર્યના પિતા શાળામાં આવ્યા હતા. તેઓ પુત્રને મળવા આચાર્યની ઓફિસમાં ગયા ત્યારે તેમના આચાર્ય પુત્રએ કોઇ ઝેરી દવા પી લીધી હોય એમ જણાયુ હતું. પોતાના પુત્રએ ઝેરી દવા પીધી હોવાનું જણાતા આચાર્યના પિતાએ ગભરાઇ જઇને બુમાબુમ કરી હતી, જે સાંભળીને શાળાની આજુબાજુમાં રહેતા ગ્રામજનો અને શાળાના અન્ય શિક્ષકો ત્યાં દોડી આવ્યા હતા. કોઇ ઝેરી દવા પી ગયેલ મુખ્ય શિક્ષકને તાત્કાલિક સારવાર માટે વડોદરા લઇ જવાયા હતા.
આચાર્યએ પીધેલ ઝેરી દવાની અસર શરીરમાં વધુ પ્રમાણમાં ફેલાઇ ગઇ હોવાથી સારવાર દરમિયાન આચાર્યનું મોત થયું હતું. આચાર્યના મોતની ખબર શાળામાં તેમજ ગામમાં થતાં સમગ્ર ગામ તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દુખ અનુભવ્યુ હતું. આ ઘટનામાં આચાર્યએ ઝેરી દવા ૩૧ મી તારીખે પીધી હોઇ, અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થતાં ઘટનાના ૫ દિવસ બાદ પણ પોલીસ દ્વારા તપાસને લગતી કોઇ સઘન કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી, એમ જાણવા મળ્યુ હતું. જોકે આચાર્યએ કયા કારણોસર દવા પીને જીવન ટુંકાવ્યું તે બાબતે હાલતો રહસ્ય સર્જાયું છે.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર