પાવીજેતપુર તાલુકાના મુવાડામાં બે દિવસથી આદમખોર દીપડાએ આતંક મચાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સવારે દસના અરસામાં છ જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચાડી દીપડો અંદરાભાઈ નાયકના ઘરમાં ઘૂસ્યો હતો. એક ઓરડામાં દીપડો સંતાયો હતો અને બીજા ઓરડામાં સાત જેટલા ઘરના સદસ્ય પુરાયા હતા. દરવાજા પર અડીંગો જમાવીને બેઠેલા દીપડાથી ઘરના સભ્યોનો જીવ જોખમમાં મુકાયો હતો. ત્યારબાદ વનવિભાગના અધિકારીઓ આવી જતા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ ચાલક દીપડો સાંજના પાંચ વાગ્યાના અરસામાં ઘરમાંથી બહાર નીકળી ભાગી ગયો હતો. ત્યારે રાત્રીના સમયે ફરી દિપડો મુવાડાના મોરા ફળિયામાં રાઠવા મથુરભાઈ માલસિંગના ઘરમાં શિકારની શોધમાં ઘૂસ્યો હતો. મથુરભાઈના ઘરમાં બાંધેલ ત્રણ બકરાં ઉપર હુમલો કર્યો હતો એમાં બે બકરાનું મારણ કર્યું હતું અને એકને ઇજા પહોંચાડીને ભાગી ગયો હતો. આમ બે દિવસથી પેધા પડેલા આદમખોર દીપડાને લઈને મુવાડા સહિતના ગામોમાં ભય નો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ વનવિભાગ ને રજુઆત કરી છે કે દીપડો વધુ કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં દીપડાને પકડવા આવે તેવી માંગ ઉઠી છે.
ફૈજાન ખત્રી કલારાણી જી.છોટાઉદેપુર