છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ દ્વારા પુર દરમિયાન પુરમાં ફસાયેલા નાગરિકોને કઇ રીતે બચાવ કરી શકાય એ માટેની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વિવિધ કુદરતી આપત્તિઓમાં રાહત અને બચાવ કામગીરી કઇ રીતે કરી શકાય એ માટે લોકજાગૃતિ આવે, લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે સમયાંતરે આવી મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે. છોટાઉદેપુર જીલ્લાના સુખી ડેમ ખાતે એન.ડી.આર.એફ, જરોદ, વડોદરાની ૬-બટાલિયન દ્વારા સુખી ડેમ ખાતે પુર દરમિયાન કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય એ માટેનો સિનારીયો ઉભો કરીને આ મોકડ્રિલને અંજામ આપવામાં આવી હતી.
૬-બટાલિયન એન.ડી.આર.એફના આસીસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણભાઇએ આ મોકડ્રિલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર અને ૬-બટાલિયન એન.ડી.આર.એફ દ્વારા પુરની દરમિયાન ઉભી થતી જુદી જુદી પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરી શકાય એ માટેની મોક એકસરસાઇઝ કરવામાં આવી હોવાનું જણાવી તેમણે પુરની પરિસ્થિતિ દરમિયાન બચાવની અલગ અલગ પદ્ધતિઓનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે પુર દરમિયાન વિખૂટા પડી ગયેલા ગામડાઓ, વિખૂટા પડી ગયેલા નાગરિકોનો બચાવ, હોડી ઉંધી વળી જવાના કિસ્સામાં ફરસાયેલા નાગરિકોની બચાવ કામગીરી કઇ રીતે કરી શકાય તથા પાણીમાં ડુબીને બેભાન થઇ ગયેલા વ્યક્તિને રાહત અને બચાવ કામગીરી તેનું સાદ્રશ્ય ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે સરકારના સંબંધિત તમામ વિભાગો દ્વારા પણ આ મોક એકસરસાઇઝમાં સક્રિયપણે ભૂમિકા બજાવી હોવાનું જણાવ્યું હતું.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુરપાવી જિ.છોટાઉદેપુર