છોટાઉદેપુર મુકામે શ્રી એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો.
આ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના કુલ ૨૧૦૬૨ જેટલા લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા લાભાર્થીઓને સીધી સહાય આપી શકાય એ માટે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે તેમણે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ અંગે કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. તેમણે ગરીબ કલ્યાણ મેળા દ્વારા લાભ મેળવનાર લાભાર્થીઓને તેમને મળતી સહાયમાંથી સ્વરોજગાર કરીને જીવનધોરણ ઉંચું લાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આયુષ્માન ભારત યોજના અંગે વિગતે જાણકારી આપી સૌને પી.એમ.જે.વાય કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતુકે છોટાઉદેપુર જિલ્લામાં રુ. ૨૧ કરોડ જેટલી રકમના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે અને રુ. ૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એમ ઉમેર્યું હતું. ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં સાત ઓક્સિજન પ્લાન્ટ તેમજ ૬૬ વેન્ટિલેટર સાથેની ૬૬ આઇ.સી.યુ બેડની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે એમ જણાવી તેમણે ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૮૪ ટકા નાગરીકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ અને ૯૮ ટકાને બીજો ડૉઝ આપવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું. સરકારે ૧૮ વર્ષથી વધુ ઉંમરના બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કર્યો છે એમ જણાવી તેમણે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ વાન શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું, તેમજ રાજયના દુરના વિસ્તારોમાં રસીકરણ કરવા માટે ચિત્તા બાઇક ડ્રાઇવથી રસીકરણ કરવામાં આવ્યું હોવાની વાત કરી હતી. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઇ પણ વ્યક્તિની મધ્યસ્થી વગર સીધો લાભ લાભાર્થીના હાથમાં પહોંચે એ માટે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે. તેમણે કેન્દ્રીય બજેટમાં સામાન્ય માણસને સ્પર્શતી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઇઓ અંગે માહિતી આપી હતી.
છોટાઉદેપુર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાના ૨૧૦૬૨ લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડની માતબર રકમના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદન ખાતે રૂા. ૧.૨૬ કરોડના ખર્ચે નવનિર્મિત થનારા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનું ખાતમુહૂર્ત રાજયમંત્રીના હસ્તે કરવામાં આવશે એમ જણાવ્યુ હતું. તેમજ રૂા. ૧.૮૫ કરોડના શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, રૂા. ૭૩.૮૬ લાખના ખર્ચે જનરલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા પી.એસ.એ પ્લાન્ટ અને રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે અલીરાજપુર નાકા ખાતે બનાવવામાં આવેલા ૬ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશ શાહે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના, સ્વાગત ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા શિક્ષકોએ “મારે ગરીબ નથી રહેવું” નામનું નાટક રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ છોટાઉદેપુર પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, માજી સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ટી.કે.ડામોર, જિલ્લાના અન્ય પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર
છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો
Advertisement