છોટાઉદેપુર ખાતે આજે ૨૬ મી જાન્યુઆરીના રોજ ૭૩ મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાના ૭૩ મા ગણતંત્ર દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ બેંડના રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે સલામી આપવામાં આવી હતી, અને ત્યારબાદ પરેડ કમાન્ડર વી.એસ કામડીયાની અધ્યક્ષતામાં કલેક્ટરએ ખુલ્લી જીપમાં બેસી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ અને આમંત્રિતોનું અભિવાદન ઝીલ્યુ હતુ.
છોટાઉદેપુર જિલ્લાના આ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પ્રજાજોગ સંબોધન કરતા જિલ્લા કલેકટર સ્તુતિચારણે જણાવ્યુ હતુ કે આજનો દિવસ દેશ વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે. આજના પાવન દિને ૭૨ વર્ષ પહેલા આપણે લોકતાંત્રિક ગણ રાજ્યનો સ્વીકાર કર્યો હતો. આજે આપણો દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના સબળ, સશક્ત અને દિર્ઘદ્રષ્ટા નેતૃત્વના પરીણામે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને અને આપણો દેશ સુરાજ્યની દિશામાં આગળ વધી રહ્યો છે. દ્રઢ રાજકીય ઇચ્છાક્તિ, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશક્તિના સાક્ષાત્કારના ત્રિવેણી સંગમથી આપણે પ્રતિદિન નવતર સોપાનો સર કરી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છીએ જિલ્લા કક્ષાની આ ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટરે વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને એનાયત કર્યો હતો.
જિલ્લા કક્ષાની આ ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, તથા પદાધિકારીઓના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ / કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોરોના વોરીયર્સોને રસીના પ્રીકોસન ડોઝ આપવામા આવ્યા હતા.
કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક તથા સાંસદ ગીતાબેન રાઠવા, નારણભાઇ રાઠવા તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ નારણભાઇ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, પ્રાયોજના વહીવટદાર નાયબ વન સંરક્ષક, પ્રાંત અધિકારી જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, શાળાના બાળકો, શિક્ષકો અને ગ્રામજનો મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ઉજવણી કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી હોવાથી મર્યાદિત સંખ્યામાં અને કોરોના ગાઇડલાઇનનું ધ્યાન રાખી કરવામા આવી હતી.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર