છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી નજીક રંગલી ચોકડી સ્થિત ચંદ્રમૌલી ફાઉન્ડેશન સંચાલિત એકલવ્ય ગ્રુપ કોલેજના ૧૨૧ જેટલા વિધ્યાર્થીઓએ કોલેજના અધ્યાપકો સાથે બોડેલી તાલુકાના સુપ્રસિદ્ધ ઝંડ હનુમાનના ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન વિધ્યાર્થીઓએ આ ધાર્મિક સ્થાનના ઇતિહાસ વિશે માહિતી મેળવી.
ઉલ્લેખનીય છે કે આ સ્થળે આજુબાજુના ગામોની શ્રધ્ધાળુ જનતા દર્શનાર્થે આવતી હોય છે. કોલેજના સોશિયલ વર્ક વિભાગના અધ્યાપક સેજલબેન તડવીએ ઝંડ હનુમાનના ધાર્મિક સ્થળ વિશે સવિસ્તાર માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પોતાના જિલ્લા તથા આજુબાજુના વિસ્તારના ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળોની જાણકારી જરુરી હોવાનું જણાવી વિદ્યાર્થીઓ માટે વિવિધ ધાર્મિક સ્થાનોના પ્રવાસો જરુરી હોવાની વાત કરી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભીમ ઘંટી, પાંડવોના સમયનો કુવો વિગેરે પાંડવકાળ સમયની નિશાનીઓ નિહાળી હતી. આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન વિધ્યાર્થીઓએ સાથે વનભોજન લીધું હતું. ત્યારબાદ ડેમની મુલાકાત લઇને ધનપરી ઇકો ટુરીઝમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ પર્યાવરણ, વન્ય વનસ્પતિ તથા વન્ય જાનવરો વિશે માહિતિ મેળવી હતી. કોલેજ છાત્રોના આ પ્રવાસમાં તેમની સાથે કોલેજના આચાર્ય વિક્રમભાઈ સોનેરા, આર્ટ્સ વિભાગના વડા પાયલબેન સોલંકી તેમજ કોલેજના અધ્યાપકો પ્રિયંકાબેન કોળી, સેજલબેન તડવી, રેખાબેન રાઠવા, પુષ્પાબેન રાઠવા તથા જગદીશભાઈ બારીયા જોડાયા હતા અને પ્રવાસ દરમિયાન વિધ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. નૈસર્ગિક વાતાવરણ વચ્ચે પ્રવાસ સંપન્ન કરીને વિધ્યાર્થીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને અધ્યાપકોએ આપેલ વિવિધ માહિતિ અને માર્ગદર્શન બદલ તેમનો આભાર માન્યો હતો.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર