છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકામાં આવેલ કલારાણી પાસે રંગલી ચોકડી સ્થિત ચંદ્ર મૌલી ફાઉન્ડેશન સંચાલીત એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ ખાતે ટીબી રોગ વિશે સમુદાયમા જાગૃતિ આવે તે હેતુસર આજે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા જીલ્લા ક્ષય અધિકારી ડો.ભરત શિંહ ચૌહાણ ઉપસ્થિત રહી ટીબી રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તથા રોગના અટકાયતી ઉપાયો, ટીબી રોગના લક્ષણો, જરુરી તપાસ નિદાન અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, તેમજ ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવા માટે દેશના માનનીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ આહવાન વિશે વાત કરી હતી અને તે માટે સમુદાયમાં રહેતા તમામ નાગરિકોએ ટીબી રોગ નાબુદી માટે પોતાનું જરૂરી યોગદાન આપે તે ઈચ્છનીય છે તેમ જણાવ્યું હતું.
અત્રે ઉપસ્થિત રહેલ જિલ્લા ટીબી એચઆઇવી કો ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવાએ ટીબી રોગના લક્ષણો તથા નિદાન અને સારવાર તથા ટીબીના દર્દીઓને સરકાર દ્વારા મળતી સારવાર તેમજ પૌષ્ટિક આહાર માટે મળતી સહાય વગેરેની વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી જિલ્લા પીપીએમ કો ઓર્ડીનેટર અશ્વિનભાઈ રાઠવા તથા તાલુકા ટીબી સુપરવાઈઝર દિનેશભાઈ વણકર જ્યારે કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, કોલેજના પ્રિન્સીપાલ વિક્રમ સોનેરા સહિત કોલેજનો તમામ સ્ટાફ ઉપરાંત ૨૦૦ થી વધુ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સફળ સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર પાયલ સોલંકીએ કર્યુ હતું અને કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર