છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ન્યુ પેટર્ન ગુજરાત યોજનાની જોગવાઈ હેઠળ રૂા. ૪૧.૬૭ કરોડના ખર્ચે પ્રાથમિક સુવિધા અને માળખાકીય વિકાસનાં કામોની પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ શ્રી ખાબડે સંબંધિત વિભાગનાં અધિકારીઓને ધારાસભ્યો-જનપ્રતિનિધિ સાથે પરામર્શ કરીને અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦ નાં ભૌતિક-નાણાંકિય કામોની પ્રગતિની સમીક્ષા કરતા પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ કે, કોરોના માહામારીનાં પગલે ત્રણેક માસ સુધી વિકાસનાં કામો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં આ મહામારીમાં જિલ્લા વહીવટી તંત્ર ખૂબ સક્રિયાતાથી કામ કર્યું છે. કેન્દ્ર-રાજ્ય સરકાર તરફથી ખૂબ મોટુ અનુદાન મળે છે. આ અનુદાનનું પદાધિકરી અને અધિકારીની બંને પાંખ સાથે મળીને વિકાસનાં કામો કરવામાં આવે તો લોકોને ઉત્તમ સેવા પહોંચાડી શકાશે. ધારાસભ્ય શ્રી મોહનભાઈ રાઠવા અને શ્રી સુખરામભાઈ રાઠવાની રજૂઆતનાં પગલે શ્રી ખાબડે જિલ્લા આયોજન મંડળની દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજવા અને ગ્રામ પંચાયતનાં પદાધિકારીઓ સાથે સંકલન કરીને વિકાસનાં બાકીનાં કામોને ત્વરાથી પૂર્ણ કરવા સંબંધિત અધિકરીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વ શ્રી અભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન બારીયા, કલેક્ટર શ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર શ્રી વસાવા, પ્રાયોજના અધિકારી શ્રી ગામિત સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તૌફીક શેખ, છોટા ઉદેપુર