બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ હનુમાનજીની પ્રતિમા નીચેના શિલ્પચત્રો અંગેનો વિવાદ સતત વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સમાચાર આવ્યા છે કે હાલ સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયામાં સતત સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદ દર્શાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં મીડિયાના લોકોને રિપોર્ટિંગ નહીં કરવા કહેવાયું છે. જોકે, આ નિર્ણય બાદ મીડિયામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સ્થાપિત કરેલ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા નીચે કેટલાક શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે, જેમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે, જેને લઈ વિવિધ હિન્દુ સંગઠનો અને સાધુ-સંતો દ્વારા ભગવાન હનુમાનજીના અપમાનના આરોપ સાથે વિરોધ દાખવવામાં આવ્યો છે. મોરારિબાપુથી લઈ ઇન્દ્રભારતી બાપુએ પણ આ બાબતની નોંધ લઈ વિરોધ દાખવ્યો છે.
આ મામલે ચર્ચા કરવા અમદાવાદમાં રવિવારે સાધુ-સંતોનું મહાસંમેલન યોજાય તેવી શક્યતાઓ છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ સહિત કેટલાક હિન્દુ સંગઠનો, સાધુ-સંતોએ આનો ઉગ્ર વિરોધ કરી શિલ્પચિત્રો ત્વરિત હટાવી લેવાની માગી કરી રહ્યા છે. સાથે જ કહેવાયું છે કે જો આ વિવાદાસ્પદ શિલ્પચિત્રો હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાથે જ કાનૂની લડત માટે પણ તેઓએ તૈયારી દાખવી છે.