દિનેશભાઇ અડવાણી
બીલીમોરા બંદરે દરિયાઈ ખાડી માર્ગે બોટ દ્વારા વહન કરી બીલીમોરા ખાતે નદી મારફત લાવવામાં આવેલ રૂ.11.32 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂને સુરત રેન્જ આઈ.જી ના ઓપરેશન/ ડિટેક્શન ગ્રુપએ બાતમી આધારે ઝડપી પાડી દારૂ અને બોટ મળી કુલ્લે રૂ.26.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે તક સાધી છટકી ગયેલા 5 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.ઓપરેશન ગ્રુપના સ્ટાફે બીલીમોરા પોલીસમાં પ્રોહિબિશનનો ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેન્જ આઈ.જી. દ્વારા બનાવવામાં આવેલ ઓપરેશન/ડિટેક્શન ગ્રુપના ધવલભાઈ દેવદાનભાઇ અને આલાભાઈ સવશીભાઈ નાઓ રેન્જ આઈ.જી. નાઓની સૂચના અનુસાર બીલીમોરા વિસ્તારમાં રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન તેમને બાતમી મળેલ કે, બીલીમોરા માછીવાડા સુભાષ ચોક ખાતે રહેતો હિરેન અશોકભાઇ ટંડેલ તથા તેનો ભાઇ આશીષ અશોકભાઇ ટંડેલ તથા બીગરી મામાદેવ ગામ ખાતે રહેતો ચેતન ઉર્ફે બોડીયો તથા બીલીમોરા ઘોલ ફળીયા ખાતે રહેતા કિશન ઉર્ફે લાલુ નરેશભાઇ તથા પ્રગ્નેશ આ બધા સાથે મળી પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દમણ થી બોટમાં ભરાવી દરીયાની ખાડી મારફતે બીલીમોરા બંદર ઉપર લાવી નદીના પાણીમાં મુકેલ છે. પરંતુ ખાડીમાં પાણી ન હોવાથી બોટ કાદવ માં ઉભી રાખેલ છે. દરીયાઇ ભરતીની રાહ જોતા ભરતી આવે અને બોટ કિનારે લાવી દારૂ ખાલી કરવાની રાહ જોઈ દારૂ ભરેલ બોટ ની વોચ રાખી બંદર પર એક અર્ટીગા ગાડી સાથે બાકડા પર બેસેલ છે. જે બાતમી આધારે ઓપરેશન ગ્રુપ પોલીસે બે પંચોને તૈયાર કરી ખાનગી વાહનમાં રાત્રીના 2:45 વાગ્યાના અરસામાં બંદરે પહોંચ્યા હતા. જ્યાં ખાનગી વાહન આવતા બંદર પર દરિયાઈ ભરતીની રાહ જોતા બેઠેલા પાંચેય બુટલેગરો સજાગ બની બધા અર્ટીગા ગાડી નંબર જીજે.21.0811માં બેસી ગયા હતા. જેમને ગાડીમાં ટોર્ચ વડે જોતા પંચો દ્વારા ઓળખાયા હતા. પરંતુ તેઓ અર્ટીગા ગાડીમાં બેસી પુરપાટ ઝડપે ગાડી હંકારી પાચેય જણાં ફરાર થયાં હતાં. જેમનો પીછો પણ પોલીસે કર્યો હતો પરંતુ તેવો નાશી જવામાં સફળ રહ્યા હતા. ઓપરેશન ગ્રૂપની પોલીસ દ્વારા બીલીમોરા બંદરે બાતમી વાળી બોટ ની તપાસ હાથ ધરી હતી. જ્યાં ખાડી( નદી )માં મધ્યે એક મોટી બોટ પાણી ન હોવાને કારણે કાદવ કીચડ માં હોવાનું જણાયું હતું. જેની તપાસ કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી મુદ્દામાલનો મોટો જથ્થો જણાયો હતો. જેથી પોલીસે જાપ્તો રાખી દરિયાઈ ભરતી ની રાહ જોતા આ દારૂ ભરેલ બોટને કિનારે લાવવાની રાહ જોતા ઉભા હતા. જ્યાં મળસ્કેના 4:30 વાગ્યાના અરસામાં નદીની ખાડીમાં દરિયાઈ ભરતીના પાણી આવતા દારૂ ભરેલ બોટને ચાલુ કરી કિનારે લાવવામાં આવી હતી. જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અધધધ… કહી શકાય એટલી 365 પેટીઓ મળી આવી હતી. તેની ગણતરી કરતા. 365 દારૂની પેટીઓ માંથી અલગ અલગ બનાવટનો દારૂ બિયર ટીન બોટલ ના કુલ્લે નંગ 14172 બોટલો કિંમત રૂ. 11,32,800/- ગેરકાયદેસર લવાતો મુદ્દામાલનો જથ્થો મળી આવ્યો હતો. જેને આધારે દરિયાઈ માર્ગે દારૂ વહન કરી લાવવાના કામના ઉપયોગમાં લેવામાં આવેલ બોટ કિંમત રૂ. 15 લાખ પણ ઓપરેશન ગ્રુપ દ્વારા કબ્જે લેવામાં આવ્યું હતું. આમ કુલ્લે મળી 26.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સુરત રેન્જ આઈ.જી. ની આ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી આધારે અધધ એવો વિદેશી દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. રેન્જ આઈ.જી. ઓપરેશન ગ્રુપ દ્વારા દારૂના ઝડપી પાડવામાં આવેલ મોટા જથ્થા ની કાર્યવાહીમાં દારૂ નો જથ્થો મંગાવનારા હિરેન અશોકભાઇ ટંડેલ, આશીષ અશોકભાઇ ટંડેલ બંને રહે . બીલીમોરા, માછીવાડા સુભાષચોક તા.ગણદેવી , જિ.નવસારી, ચેતન ઉર્ફે બોડીયો , રહે. બીગરી , મામાદેવગામ , તા.ગણદેવી, કિશન ઉર્ફે લાલુ નરેશભાઇ અને પ્રગ્નેશ બંને રહે.બીલીમોરા ઘોલ ફળીયા, તા.ગણદેવી આ તમામ પાંચેય જણાને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સમગ્ર ઘટના સંદર્ભે ઓપરેશન ગ્રુપના આલાભાઈ શવસીભાઈએ બીલીમોરા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. અને આ દારૂનો જથ્થો ક્યાં સગેવગે કરવાનો હતો અને ક્યાં પહોંચાડવામાં આવવાનો હતો. તેની કાર્યવાહી હાથ ધરી હતી.