વલસાડ અને બીલીમોરા આવેલા જોરાવાસણ ગામેથી પસાર થતી રેલવે લાઇન પરથી પૂરપાટ ઝડપે સુરત તરફ દોડી રહેલી ગુડ્ઝ ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી જતાં 11 ગાયના મોત થતા ગ્રામ્ય સહિત પંથકમાં કમકમાટી સાથે ભારે ચકચાર મચી ગઇ હતી.જ્યારે 3 ગાયના પગમાં ઇજા પહોંચી હતી.મૃતક ગાયોના વેરવિખેર પડેલા શબને જોઇ ભારે શોકની લાગણી ફેલાઇ હતી. વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળને જાણ થતાં કાર્યકરોએ સ્થળ ઉપર ધસી ઇજાગ્રસ્ત ગાયોને સારવાર આપવા લઇ જવામાં આવી હતી.આરપીએફ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.
વલસાડથી 20 કિમી દૂર આવેલા જોરાવાસણ ગામની સીમમાં રેલવે ટ્રેક પરથી શનિવારે સવારે 8 વાગ્યાના સુમારે એક ગુડ્ઝ ટ્રેન તીવ્ર ગતિએ પસાર થઇ રહી હતી.આ જ અરસામાં રખડતી14 જેટલી ગાયોનું એક ટોળું ચારણ ચરતાં ચરતા ટ્રેક ઉપર આવી જતાં કમનસીબે ટ્રેનની અડફેટે ચઢી ગયું હતું.જેના પગલે જોરદાર ટક્કર લાગતા આ 11 ગાયના કમકમાટીભર્યા મોત થયા હતા.જ્યારે 3 ગાયના પગના ભાગે ઇજા પહોંચતા તેમના પગે ફ્રેકચર થયા હતા.
આ ઘટનાની જાણ થતાં આજૂબાજૂના સ્થાનિકો સ્થળ પર પહોંચી ગયા હતા.ત્યારબાદ વલસાડ અગ્નિવીર ગૌ સેવાદળને જાણ કરતા દિનેશ ચૌહાણ સહિત કાર્યકરોની ટીમ વાહન લઇને જોરાવાસણ રેલવે ટ્રેક ઉપર અકસ્માતના સ્થળે પહોંચી મૃતક ગાયોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.આ સાથે ઇજા પામેલી 3 ગાયને નવસારીના ખડસુપા ગામની પાંજરાપોળમાંચ સારવાર માટે રવાના કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.