બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ જિલ્લામાં પાક, પશુપાલન અને ફિશરીઝ ક્ષેત્રે થયેલી નુકસાનીનો તાગ મેળવવા માટે કૃષિ, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિમંત્રીએ કચ્છના દરિયાકાંઠાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ બાદ તેઓએ કચ્છ કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને બિપરજોય વાવાઝોડાના નુકસાનીની સમીક્ષા કરી હતી. તેઓએ પદાધિકારીઓ પાસેથી તેમના વિસ્તારમાં પાક નુકસાની, પશુ મૃત્યુ અને દરિયાઈ બોટમાં નુકસાની વગેરે બાબતો ઉપર ચર્ચા વિચારણ કરીને સૂચનો માંગ્યા હતા.
આ બેઠક દરમિયાન કૃષિમંત્રીએ સૌ પદાધિકારીઓ અને અધિકારીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે સરકારના માર્ગદર્શનમાં રહીને આયોજનબદ્ધ રીતે રાહત બચાવની પૂર્વ તૈયારીઓ કરી હતી. જેના લીધે ભયંકર વાવાઝોડામાં પણ એક પણ કેઝ્યુઆલટી થઈ નથી અને ઝીરો કેઝ્યુઆલટીના લક્ષ્યને પાર પાડીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાઈ છે. ઉપસ્થિત અધિકારીઓ પાસેથી નુકસાનીની પ્રાથમિક વિગતો, સરવેની કામગીરી વિગતો માંગીને મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને યોગ્ય સહાય મળે અને જનજીવન ફરીથી ધબકતું થાય એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ કૃષિમંત્રીને નુકસાનીની વિગતો, સરવેની કામગીરી અને જિલ્લા વહીવટીતંત્રની કામગીરી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, જ્યાં પણ જરૂરિયાત ઊભી થાય ત્યાં સરવેની ટીમો વધારીને ઝડપથી કામગીરી કરવા પણ પદાધિકારીઓએ સૂચન કર્યું હતું. આ બાબતને ધ્યાને લઈને ગાંધીનગરથી ઉપસ્થિત રહેલા અધિકારીઓને વધારાની ટીમોની જ્યાં પણ જરૂરિયાત હોય ત્યા ફાળવવા કૃષિમંત્રીએ તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કચ્છ જિલ્લાની વર્તમાન સ્થિતિ અને સરવેની કામગીરી, કેશ ડોલ્સની ચૂકવણી, પશુ મૃત્ય સહાય અંગેની વિગતવાર જાણકારી મંત્રીને આપી હતી.
આ બેઠક દરમિયાન અગ્રણી દેવજીભાઈ વરચંદ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ફિશરીઝ વિભાગના નિયામક નિતીન સાંગવાન, બાગાયત નિયામક પી.એમ.વઘાસિયા, પશુપાલન નિયામક ફાલ્ગુની ઠાકર, સંયુક્ત બાગાયત નિયામક ફાલ્ગુન મોઢ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક ડૉ.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ડીઆરડીએના નિયામક જી.કે.રાઠોડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ કે.ઓ.વાઘેલા, બાગાયત નિયામક મનિષ પરસાણિયા, ફિશરીઝ વિભાગના અધિકારી જે.પી.તોરણીયા, જિલ્લા પશુપાલન અધિકારી હરેશ ઠક્કર સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.