ભુજમાં વાવાઝોડું ત્રાટકે તે પહેલા ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ભારે પવન વચ્ચે ભુજ જીઆઈડીસી નજીક એક દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત થયા હતા જ્યારે એકને ઇજા થઇ છે.
ભુજના લખુરાઈ ચાર રસ્તા પર દીવાલ પડતા બે બાળકોના મોત થયા છે. બાળકો રમી રહ્યાં હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. ભારે પવનને કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન તકેદારીના ભાગરૂપે ભુજ ખાતે આરોગ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્ર અને સંલગ્ન કચેરીના અધિકારીઓ સાથે મેરેથોન મીટીંગ દરમિયાન વાવાઝોડાની અસર શરૂ થાય તે પહેલા જ દરિયાકાંઠે 0 થી 10 કિલોમીટર સુધીના વિસ્તારના માછીમારો, ગ્રામીણ લોકો, ગરીબો તેમજ કચ્છના રણમાં જ્યાં દરિયાઈ પાણીનું સ્તર વધી શકે તેવા વિસ્તારના અગારીયાઓને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા. આ અંગે જિલ્લા સમાહર્તાએ આપેલી માહિતી મુજબ વહીવટી તંત્ર દ્વારા સાત તાલુકામાં 187 શેલ્ટર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
જેમાં 24 ક્લસ્ટર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેઓ શેલ્ટર હોમ ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા તેમજ તંત્ર સાથે સંકલન સાધીને કામગીરી કરશે. શેલ્ટર સેન્ટરમાં મહિલા,બાળકો ,તેમજ વૃદ્ધ નાગરિકોને કોઈપણ સમસ્યા ન થાય તે માટે મેડિકલ ઓફિસર, આંગણવાડી તેમજ આશા વર્કરોને કામગીરી સોંપવામાં આવી છે.