સૌજન્ય/DB/ભુજ | કચ્છમાં સસ્તા ભાવે મકાન જમીન પ્લોટ આપવાના બહાને મધ્યમવર્ગીઓને શીશામાં ઉતારી લાખોની છેતરપીંડી કરી ફુલેકું ફેરવનારા ડેવલોપર્સો સામે ભોગ બનનારા લોકોએ અનેકવાર પોલીસ ફરિયાદ કરી છે અને કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા છે તેમ છતાં આ ઠગબાજો કાયદાને પણ ગોળીને પી ગયા હોય તેમ ભોળા લોકોને છેતરવાનું બંધ કરતા નથી આવો જ એક કિસ્સો ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. ભુજના ‘સન સીટી 1 અને 2’ના નામે મુંદરાના વિરાણીયામાં રીયલ એસ્ટેટની સ્કીમ શરૂ કરી સરળ માસિક હપ્તે પ્લોટ ખરીદવાના લોભામણી જાળ બીછાવનારા ભુજના સન ડેવલોપર્સના સંચાલકોએ નલિયાના વૃધ્ધ જૈન એજન્ટ પાસેથી 71 સભ્યોના રૂપિયા ભરાવી 49 લાખ 80 હજારની છેતરપિંડી કરી પ્લોટ કે મકાનની માંગણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી અપાતાં આરોપીઓ વિરૂધ પોલીસમાં ગુનો નોંધાયો છે.
એજન્ટ પાસેથી 71 સભ્યોના નાણા મામલે આપી જાનથી મારી નાખવાની ધમકી
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નલિયા ખાતે જૈન ધર્મશાળામાં રહીને નિવૃત જીવન જીવતા રાયચંદ શામજીભાઇ ડાઘા (ઉ.વ.68)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે વિશ્વાસધાતનો બનાવ ગત 2011 ડિસેમ્બરથી 2016 દરમિયાન બન્યો હતો. ભુજના સન ડેવલોપર્સના માલિક ફિરોજ મામદ હુસેન ખત્રી (રહે. ‘’સાનિયા’’, રાહુલનગર, ખારી નદી રોડ, ભુજ), નિરવ બિપીનચંદ્ર વ્યાસ (રહે. પ્રમુખસ્વામીનગર, પહેલા ગેટ પાસે, મુંદરા રીલોકેશન સાઈટ, ભુજ) અને સ્વરાજ લબ્ધિભાઈ મોમાયા (રહે. પ્લોટ નં-131-132, એ-8, સુધેશનગર, ગાંધીધામ) પાસે મુન્દ્રાના વિરાણીયા ગામે સસ્તા ભાવે પ્લોટો અને મકાનની સ્કીમ ચલાવતા હોઇ તેમા રાયચંદભાઇ તેમના મિત્ર ગાંધીધામ રહેતા લબ્ધિભાઈ મોમાયાના કે જે ભલારા દાદા એસ્ટેટ એજન્સી ચલાવતા હતા.
લબ્ધીભાઇના કહેવાથી ફિરોઝ મામદ હુશેન સાથે તેમની ભુજમાં જિલ્લા પંચાયત સામે આવેલા ધવલ કોમર્સિયલ સેન્ટરમાં સંપર્કમાં આવ્યા હતા. અને તેઓની સ્કીમમાં એજન્ટ તરીકે જોડાયા હતા. દરમિયાન આ સ્કીમમાં 71 લોકો પાસે માસિક 1250ના હપ્તા લેખે કુલ 60 માસના 49.80 લાખ ઉઘરાવી આરોપીઓને આપ્યા હતા. બાદમાં લબ્ધીભાઇનું 2016માં મૃત્યુ થતાં ગ્રાહકોએ રૂપિયા ભરવાનું બંધ કરી દીધું હતું.
બાદમાં રાયચંદભાઇએ ગ્રાહકોને સ્કીમના પ્લોટ કે રૂપિયા પરત આપી દેવાનું કહેતા ત્યારે આરોપીઓએ બીજી સ્કીમ શરૂ થશે ત્યારે પરત આપશું કહી ધક્કા ખવડાવ્યા હતા આખરે રાયચંદભાઇને છેતરાયા હોવાનું જણાતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ત્રણે આરોપીઓ વિરૂધ છેતરપિંડી, વિશ્વાસઘાત, ધાક-ધમકી કર્યાની ફરિયાદ નોંધાવી હતી એ ડિવિઝન પોલીસના પીએસઆઇએ આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.એ ડિવિઝન પીએસઆઇ ટી.એચ. પટેલનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું કે, સન ડેવલોપર્સ વિરુધ્ધ અગાઉ પણ ચીટીંગની ફરિયાદો દાખલ થયેલી છે. આરોપીઓને તાકીદે ઝડપી ચક્રો ગતિમાન કરાયા છે.
લબ્ધી મોમાયાએ 2016માં અમદાવાદ કર્યો હતો આપઘાત
આરોપી સ્વરાજ મોમાયાના પિતા લબ્ધીભાઇ મોમાયા ‘ભાલારા દાદા એસ્ટેટ એજન્સી’ચલાવતા હતા તેઓ પણ પ્લોટોની સ્કીમમાં ફસાઇ ગયા હતા અને લોકોને નાણા ચુકવી ન શકવાને કારણે ગત લબ્ધિભાઈનું 2016માં અમદાવાદ ખાતે પાલડીમાં આવેલા કચ્છી ભવનમાં આપઘાત કરીને મોત વહાલુ કર્યું હોવાનું બહાર આવ્યું છે.