ભુજ: ઈન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગુજરાતના હજુ એક રમતવીરે દેશનું ગૌરવ વધાર્યું છે. કચ્છી યુવાન તીર્થ મહેતાએ હાર્થસ્ટોન રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં પ્રથમ વખત યોજાયેલી હાર્થસ્ટોન રમતમાં તિરંગો લહેરાવી ભારતનું નામ રોશન કર્યું છે.
હજુ કાલે જ ગુજરાતની આદિવાસી ગર્લ સરિતા ગાયકવાડે રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આજે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટસના હાર્થસ્ટોન નામની ગેમ્સમાં કચ્છનો યુવાન તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાતનું તથા દેશનું ગૌરવ વધાર્યું છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવ્યું
MSC(IT)નો અભ્યાસ કરી રહેલા ભુજના તીર્થ હિરેન મહેતાએ કોમ્પ્યૂટર ગેમના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને હરાવીને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇડ થયા બાદ જાપાન સામે 3-2થી વિજય મેળવ્યો હતો. જ્યારે હોંગકોંગની સામે 3-2થી હાર થઇ હતી. અંતે વિયેતનામને 3-2થી પછાડીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ વિજયથી 2022માં યોજાનારી એશિયન ગેમમાં ભારત વતી રમવાના સંજોગો ઉજળા થયા હતા. દેશને ગૌરવ અપાવનારા આ યુવા ખેલાડીના પિતા હિરેનભાઇ એમ.મહેતા હાલે નિવૃત છે જ્યારે માતા ઇલાબેન મહિલા કલ્યાણ કેન્દ્રમાં ફરજ બજાવે છે… Courtesy_DB