ભાવનગરમાંથી ઝડપાયેલા GST કૌભાંડમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ગરીબોના આધારકાર્ડ મેળવી મોબાઈલ નંબર અપડેટ કરી ખોટા જીએસટી નંબર મેળવી 1102 કરોડનું જીએસટી કૌભાંડ આચર્યું હતું. બોગસ બિલીંગ અંગે ભાવનગર પાલીતાણા અને અમરેલી સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રેન્જ આઈ જી દ્વારા SITની નિમણૂક કરાઇ હતી. કરોડો રૂપિયાના GST કૌભાંડમાં રેન્જ આઈજી SITની ટીમે વધુ 13 આરોપીઓને ઝડપી લઈને પાલીતાણા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતાં. 13 આરોપીઓના 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
અગાઉ જીએસટી કૌભાંડમાં નામ આવતાં મહમ્મદ ટાટાને પાલીતાણાથી ભાવનગર લાવવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં 1 હજાર 102 કરોડ રૂપિયાના બોગસ બીલિંગમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જીએસટીના મેગા ઓપરેશનમાં ભાવનગરમાં કરચોરીનું મોટું કૌભાંડના દરોડામાં 74 જેટલી બોગસ પેઢીઓ ઝડપાઈ છે. જેમાં અંદાજે ચાર હજાર કરોડનું ટર્નઓવર અને 137 કરોડની કરચોરી ઝડપાઇ છે.
ભાવનગરના પાલિતાણાના આધાર કેન્દ્ર પર કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં જરૂરિયાતમંદ લોકોના આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. નકલી આધારકાર્ડના આધારે 470 જીએસટી રજીસ્ટ્રેશન થયા હતા.જેમાંથી 118 નકલી રજીસ્ટ્રેશન ગુજરાતમાં થયા હોવાનો ઘસફોટ થયો છે. સમગ્ર ભારતમાં 2700થી વધુ નકલી જીએસટી નંબરો મળી આવ્યા છે. પોલીસે 7 શકમંદ વ્યક્તિઓની ધરપકડ કરી તપાસ કરી શરૂ કરી છે.