ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે ભીમ અગિયારસના પર્વને લઇ પોલીસ એક્શન મુડમાં રહી હતી અને માસ જુગાર ડ્રાઇવ ગોઠવાઇ હતી. આમ અલગ અલગ ૪૬ રેડમાં ૨૪૬ થી વધુ જુગારી ઝડપાયા હતાં.
મળતી વિગતો મુજબ ભીમ અગીયારસના પર્વને લઇ શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં ઠેર ઠેર જુગારની બાજી મંડાઇ હતી અને પોલીસે પણ આ જુગારની બદીને ડામવા સઘન પેટ્રોલીંગ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા અને એલસીબી, ફર્લો સ્ક્વોર્ડ સહિત સ્થાનિક પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મેળવી ધોલેરામાં ૧, બોરતળાવ, ગારિયાધાર, જેસર, મહુવા, પાલિતાણા, મહુવા, પાલિતાણા રૂરલ, પાલિતાણા ટાઉન, સિહોર, સોનગઢ, ઉમરાળા, વલ્લભીપુર, બોટાદ ટાઉન, ગઢડા, પાળિયાદ, બોટાદ એલસીબી સહિતની પોલીસે સઘન ડ્રાઇવ હાથ ધરી હતી અને અમુક રેડમાં નાસભાગ મચી હતી અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસે વિવિધ ૪૬ રેડ પાડી હતી અને વિવિધ વિસ્તારના કુલ ૨૪૬ થી વધુ જુગારીઓને ઝડપી લીધા હતાં. જે તમામની પાસેથી રોકડ રકમ તેમજ જુગાર સાહિત્ય, મોબાઇલ, મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલ તમામ જુગારીઓ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.