ભાવનગરમાં શુક્રવારે રાત્રે એક કાર બેકાબુ થતાં વીજ પોલને અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી, જેથી કારમાં સવાર બે લોકોમાંથી એક યુવાન જીવતો ભૂંજાઈ ગયો હતો. જ્યારે કારચાલક યુવાનને ગંભીર ઇજાઓ સાથે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં રહેતા વિનોદ મકવાણા અને મુકેશ બારૈયા કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે મુકેશ ધનજીભાઈ બારૈયા કાર ચલાવી રહ્યા હતા. અચાનક મુકેશભાઈએ કાર પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. ત્યાર બાદ ધડાકા સાથે વીજપોલ સાથે અથડાઈ હતી. જેથી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
આજુબાજુના સ્થાનિક રહીશો અને વેપારીઓએ દોડીને કારમાં સવાર ચાલકને બહાર ખેંચી લીધો હતો. જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિ જીવતો જ ભડથું થઈ ગયો હતો. કારનો પાછળનો દરવાજો અકસ્માતના કારણે જામ થઇ જતાં લોકોની લાખ મહેનત છતાં તે યુવાનને બહાર કાઢી શકાયો ન હતો. ફાયરબ્રિગેડ સ્ટાફ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી. ત્યાર બાદ કારની અંદર ચકાસણી કરતાં વિનોદભાઈ મકવાણા બળી ગયેલી હાલતમાં મોતને ભેટી ચૂક્યા હતા.