મિલ્કત વેરો વસુલવા છેલ્લા ઘણા દિવસથી ભાવનગર મહાપાલિકાએ માસ જપ્તી ઝુંબેશ હાથ ધરી છે. ઘણા મિલ્કત ધારકોએ વેરો ભર્યો નથી તેથી મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ચાલુ માર્ચ માસમાં મનપાને વેરાની રૂ. ૮.ર૦ કરોડની આવક થઈ છે. આજે શુક્રવારે વેરો નહી ભરનારની ૩૦ મિલ્કતને મહાપાલિકાએ સીલ માર્યા હતાં. ઘણા કરદાતાઓ હાલ વેરો ભરી રહ્યા છે તેથી મનપાને વેરાની સારી આવક થઈ રહી છે.
ભાવનગર મહાપાલિકા દ્વારા છેલ્લા બે દોઢ માસથીથી મિલ્કત વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે શુક્રવારે ભાવનગરમાં વેરો નહી ભરતા ૩૦ મિલ્કતને મહાપાલિકાએ સીલ માર્યા હતાં. આજે એક દિવસમાં ૩૩૮ મિલ્કત ધારકોએ રૂ. ૪૦.ર૦ લાખનો વેરો ભર્યો હતો, જે પૈકી કેટલાક આસામીએ બાકી વેરો ઓનલાઈન પેમેન્ટ દ્વારા સ્થળ પર જ ભરપાઈ કર્યો હતો. માર્ચ માસના ૩૧ દિવસમાં રૂ. ૮.ર૦ કરોડના વેરાની વસુલાત મનપા દ્વારા કરાઈ છે.
માસ જપ્તી ઝુંબેશના પગલે બાકીદારો ફટાફટ વેરો ભરી રહ્યા છે અને જે બાકીદારો વેરો નથી ભરતા તેની મિલ્કતને મનપા દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે ત્યારે બાકીદારોએ વેરો ભરવો જરૂરી છે. મનપાની કાર્યવાહીના પગલે બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે. છેલ્લા બે માસમાં મિલ્કત જપ્તી ઝુબેંશના પગલે ઘણા બાકીદારોએ વેરો ભર્યો છે તેથી મનપાને સારી આવક થઈ છે. હવે નવા વર્ષે રીબેટ યોજના શરૂ રહેશે ત્યારે વેરા વસુલાતની કામગીરી ધીમી પડશે તેમ ચર્ચાય રહ્યુ છે.