પીજીવીસીએલ દ્વારા છેલ્લા લાંબા સમયથી રીકવરી અંગે કડક કાર્યવાહી અમલી કરી છે. બોટાદમાં છેલ્લા ૧૩ દિવસમાં ૪૮૧.૦૫ લાખની સ્થળ પર વસુલાત કરાઈ છે. તો બીલ ભરવા અંગે કલેકશન સેન્ટરનો સમય સાંજે ૭ કલાક સુધીનો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંતિમ માસને ધ્યાને રાખી બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં નામાં સ્વીકારવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. વીજ ગ્રાહકો લાઈટ બીલ સરળતાથી ભરી શકે તે માટે પીજીવીસીએલ દ્વારા બોટાદ શહેર, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, રાણપુર, બરવાળા, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા તથા ધોળા પેટા વિભાગીય કચેરીઓમાં ૩૧ માર્ચ ૨૦૨૩ સાંજે ૭ વાગ્યા સુધી નાણાં સ્વીકારવામાં આવશે. તેમજ નજીકની ગ્રામ પંચાયત ઓફિસે પણ વીજ બીલના નાણાંની ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાી છે.
પીજીવીસીએલની વર્તુળ કચેરી, બોટાદે ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતથી જ વીજ બીલના બાકી લેણાની વસુલાત માટે યુદ્ધનાં ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. માર્ચ-૨૦૨૩ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે રોજબરોજ મેગા ડીસ કનેકશન ડ્રાઈવનું આયોજન કરી બાકીદારો પાસેથી વસુલાત હાથ ધરવામાં આવી છે. વર્તુળ કચેરી દ્વારા તા. ૧-૩ થી ૧૨-૩ સુધીમાં વિવિધ ટીમો બનાવી કુલ ૨૪,૫૪૦ ગ્રાહકો પાસેથી રૂપિયા ૪૮૧.૦૫ લાખની સ્થળ પર વસુલાત કરવામાં આવી છે. તેમજ કુલ ૩૩૬ ગ્રાહકોના રૂપિયા ૨૨.૦૪ લાખના વીજ બીલના નાણાં સમયસર ભરપાઈ ન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી આગામી સમયમાં રજાના દિવસો સહિત સતત ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.