ગોહિલવાડમાં આજરોજ મહાસુદ તેરસના મહાપર્વે વિશ્વકર્મા પ્રભુજીની જન્મજયંતીની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી, જેમાં વિશ્વકર્મા શોભાયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી તથા સમૂહલગ્ન સહિતના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
વિશ્વકર્મા જન્મજયંતીની ઉજવણી પ્રસંગે સમસ્ત લુહાર, સુથાર, કંસારા, શિલ્પી પરિવારો દ્વારા પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે શહેરના વિશ્વકર્મા સર્કલ ખાતેથી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં બાઈક અને કાર રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી,જેમાં શહેરના શાસ્ત્રીનગરમાં આવેલ વિશ્વકર્મા સર્કલ ખાતેથી રંગદર્શી શોભાયાત્રા તથા બાઇક અને કાર રેલી વાજતે ગાજતે નીકળી હતી, જે નિર્મળનગર, ચાવડીગેટ, પાનવાડી, જશોનાથ સર્કલ, બીએમસી ઓફિસ, સહકારી હાર્ટ, રિલાયન્સ મોલની સામે જવાહર મેદાન ખાતે પૂર્ણ થઈ હતી.
વિશ્વના સર્જનહાર બ્રહ્માજીના માનસપુત્ર અને તકનીકી વિદ્યાના ઇષ્ટદેવ ભગવાન વિશ્વકર્માજીની જન્મજયંતીની ઉજવણી ભાવનગર શહેરમાં આસ્થાભેર કરવામાં આવી હતી, આ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જવાહર મેદાન ખાતે સમુહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા ગઢેચી વડલા ખાતે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું.