છેલ્લા ઘણા દિવસથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રોડ પરથી લારી-ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે, જેના ભાગરૂપે રવિવારે સંત કવરામ ચોકથી કાળીયાબીડ પાણીની ટાંકી સુધી કેટલાક ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યા હતા અને કેટલીક લારી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
ભાવનગર શહેરના સંત કવરામ ચોક, વાઘાવાડી રોડ, કાળીયાબીડ પાણીની ટાંકી વગેરે વિસ્તારના મુખ્ય રોડ પર લાંબા સમયથી લારી-ગલ્લા, કેબીન વગેરેના ગેરકાયદે દબાણ હતાં. આ દબાણ હટાવી લેવા મનપાએ વારંવાર જણાવેલ છે અને કેટલીકવાર મનપાના દબાણ સેલની ટીમે દબાણ દુર કર્યા હતા પરંતુ ફરી પાછા દબાણ ખડકાય જતા હોય છે. આજે રવિવારે મહાપાલિકા દ્વારા ક્રેઈનની મદદથી લારી-ગલ્લા, કેબીન વગેરે જપ્ત કરવાની કામગીરી હાથ ધરતા ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આશરે ૭૦ થી વધુ ગેરકાયદે દબાણ મનપાએ દુર કર્યા હતા એ ૩૦ લારી-કેબીન જપ્ત કર્યા હોવાનુ મનપાના સુત્રોએ જણાવેલ છે.
મહાપાલિકાની ટીમે સવારમાં દબાણ હટાવવાની અને જપ્તીની કામગીરી શરૂ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો અને કેટલાક ધંધાર્થી લારી-કેબીન લઈ નિકળી ગયા હતાં. એક માસ બાદ લારી-કેબીન દંડ લઈ છોડવામાં આવશે તેમ મનપા સુત્રોએ જણાવ્યુ હતુ તેથી ધંધાર્થીમાં ગભરાટ ફેલાયો છે. મનપાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ શરૂ રહેશે.
ભાવનગર શહેરના મુખ્ય માર્ગો પરથી મહાપાલિકા દ્વારા લારી-ગલ્લા, કેબીન વગેરે ગેરકાયદે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. માત્ર લારી-ગલ્લા ધારકોને જ ટારગેટ કરવામાં આવતા ધંધાર્થીઓમાં રોષ ફેલાયો છે. રવિવારની રજામાં લારી-ગલ્લા ધારકોને સારી ઘરાકી હોય છે અને ત્યારે જ દબાણ હટાવતા પણ કચવાટ ફેલાયો છે. બોરતળાવની ડુબની જમીન સહિતના મોટા દબાણ મનપા હટાવતુ નથી. લારી-ગલ્લાને હાલ ઘરનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યુ છે અને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો હોવાનુ લારી-ગલ્લા ધારકોમાં ચર્ચાય રહ્યુ છે.