અંકલેશ્વર-ભરૂચ વચ્ચે જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટીયા સ્થિત નહેરની બાજુમાં પોંકની હાટડીઓ ઉપર ગરમાગરમ પોંકની જયાફત ઉડાડનારા લોકો જોવા મળે છે. અંકલેશ્વર તાલુકાનાં જ ગામોમાંથી પોંક પાડનારા શ્રમજીવીઓ આગામી 3 માસ સુધી રોજીરોટી કમાય છે.
જોકે આ વર્ષ ગત વર્ષની સરખામણીમાં પોંકનાં ભાવમાં તોતીંગ વધારો જોવા મળી રહયો છે. ગત વર્ષ એક કીલોના રૂ.400 નાં ભાવે વેચાતો પોંક આ વર્ષે એક કીલોના રૂ.480 નાં ભાવે વેચાય રહ્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં કાંસીયા ગામના રહીશ રાકેશ પટેલ છેલ્લા ધણા વર્ષોથી ગડખોલ પાટીયા નહેરની બાજુમાં પોંકનો ધંધો કરે છે. શિયાળામાં પોંક ખાવો એ શરીરમાં પૌષ્ટિક હોવાનું મનાય છે. પોંકને લીલી જુવારની ધાણી પણ કહેવાય છે.
ગરમાગરમ પોંક સાથે લીંબુ મરીની સેવ તેમજ સાકરિયાના દાણા પોંકની સોડમમાં વધારો કરે છે. પોંકના ભાવમાં વધારો થયો હોવા છતાં પોંક ખાવાના શોખીનો અચુક પોંકની લિજ્જત માણી લેતાં હોય છે.
શિયાળાની ઋતુનાં પ્રારંભ થતાં જ લીલા પોંકની સીઝન શરૂ થઈ જાય છે હાઈવેની આજુબાજુ પોંકની હાટડીઓ ધમધમી ઉઠે છે.
Advertisement