તાજેતરમાં ભરૂચ શહેરનાં અયોધ્યા નગરમાંથી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી એક બાઇક સવાર ગઠીયો રફુચકકર થઈ ગયો હતો. જે તે સમયથી ભરૂચ એ.ડિવિઝન પોલીસ મથકનાં પી.આઇ એ.કે.ભરવાડ અને તેમની ટીમને ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ શખ્શના બાઈકના પાસીંગ નંબરની બાતમી મળી હતી. જેના આધારે સર્વેલન્સ વિભાગની ટુકડી ગત રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મનીષાનંદ સોસાયટી પાસેથી એક હીરો હોન્ડા બાઇક સાથે ગઠીયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચના મકતમપુર જીલ્લા પંચાયત કોલોનીમાં રહેતો સંદીપ વાલજી ભાનુશાલીની પોલીસે અટકાયત કરી હતી. તેની પૂછપરછમાં તેને અયોધ્યાનગર ચેઇન સ્નેચિંગ ઉપરાંત અન્ય 10 જેટલા ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવણી કબુલી હતી.
આ ગઠીયો ચેઇન સ્નેચિંગને અંજામ આપ્યાબાદ મોહંમદ શાબીર ચોક્સી નામના જવેલર્સને વેચતો હતો. પોલીસે મોહંમદ શાબીર ચોક્સીની પણ અટકાયત કરી પૂછપરછ કરતાં તેને સંદીપ ભાનુશાલી પાસેથી લીધેલ સાડા ત્રણ લાખના કિંમતનું સોનું ખરીદયું હોવાની કબુલાત કરી હતી. પોલીસે જવેલર્સ પાસેથી સાડા ત્રણ લાખની સોનાની લગડી કબ્જે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ શહેરમાં ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓને અંજામ આપનાર ગઠીયો અંતે ભરૂચ એ. ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો.
Advertisement