નાગરિકતા બીલના ઓહાપા વચ્ચે ભરૂચમાં એક નાનકડી પરંતુ નિરાશ્રિતોને આશ્રય આપવાની રૂડી ધટના પ્રકાશમાં આવી. આપણે ત્યાં ઘરનાને ધંટી ચાટવાની અને અન્યોને આંટો વહેંચવા નીકળવાની માનસિકતા છે.
બન્યું એમ કે ભરૂચમાં વર્ષોથી નિરાશ્રિતો, પીડિતો કે બિનવારસી લોકોને રોટી કપડાં અને આશ્રય વિના મૂલ્યે પૂરું પાડતી એક બિન સરકારી સંસ્થા સેવાયક્ષ સમિતિ નામની બિનસરકારી સંસ્થા કાર્યરત છે અને સાચા અર્થમાં સમાજ સેવાની રૂડી અને ધ્યાનાકષર્ક કામગીરી નિ:સ્વાર્થ પ્રયાસો થકી કરી રહી છે.
આ સંસ્થાના મોભી એવા રાકેશભાઈ ભટ્ટ અને તેમના સહયોગીનાં ધ્યાનમાં ત્રણ નિરાધાર વૃદ્ધો કે જેઓ ભરૂચની જુમ્મા મસ્જિદ પાસે એકાકી જીવન જીવતા હતા. અત્યંત દયનીય પરિસ્થિતીમાં નિરાશ્રિત જીવનનો આખરી પડાવ વેઢારતા આ વૃદ્ધો છાયાબેન, કૌશલ્યાબેન અને નવનીતભાઈ અંગે રાકેશભાઈ ભટ્ટને જાણ થતાં તેમના હદયની અનુકંપા રૂવી ઉઠી અને તેઓએ ત્રણેયને પોતાના હંગામી આશ્રય સ્થાનમાં આશ્રય આપ્યો.
આપણે આશ્ચર્ય થશે કે નિરાશ્રિતોને આશ્રય અને તે પણ હંગામી આશ્રય સ્થાનમાં !!! પરંતુ આ નરી વાસ્તવિકતા છે. ભરૂચની સેવાયક્ષ સમિતિ નામની આ સેવાભાવી સંસ્થા પાસે પોતાની સંસ્થાની કોઈ ઇમારત નથી. બોમ્બે પબ્લીક એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ચેરીટી સંસ્થા હોવા છતાં આ સંસ્થાને હજુ સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ જમીન કે ઇમારતની ફાળવણી કરવામાં આવી નથી.
હાલમાં સેવાયક્ષ સમિતિ, ભરૂચ સીવીલ હોસ્પિટલ સંકુલમાં ફાજલ જમીનમાં તાડપત્રીનાં હંગામી ટેન્ટો બનાવી 55 થી વધુ નિરાશ્રિતોને આશ્રય આપી રહી છે. છેલ્લાં 11 વર્ષોથી અનાથ, અપંગ, નિરાશ્રિત વૃદ્ધોને રોજ બે ટંક ભોજન અને હંગામી છત પૂરી પાડતી આ સંસ્થા રાજ્યની ભાજપા સરકાર માટે ઉપેક્ષિત બની રહી છે ન તો જીલ્લાના કોઈ ઉદ્યોગગૃહોની દ્રષ્ટિ ગઈ નથી ન તો જીલ્લાના કોઈ ધારાસભ્ય, મંત્રીની આ સંસ્થા તરફ દ્રષ્ટિ ગઈ છે.આ નરી અને ધૃણાસ્પદ વાસ્તવિકતા છે.
સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવી રહી છે કે હાલમાં સીવીલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આ સંસ્થા હંગામી આશ્રય સ્થાન ચલાવી રહી છે. તે જમીનમાં બાબરીયા ગૃપ મેડીકલ ઇન્સ્ટીટ્યુટ ઊભી કરવાની હોય આ સંસ્થાએ આ જમીન ઉપરથી નિરાશ્રિત થવું પડશે. નિરાશ્રિતોને આશ્રય આપતી સંસ્થાને ખુદ નિરાશ્રિત થઈ જવું પડે તેવી વક્તા જોવાઈ રહી છે.
કહેવાતી સંવેદનશીલ રાજ્ય સરકાર આંધળુકીયા વિકાસની દોટમાં 55 જેટલા નિરાશ્રિતોના માથેથી “છાપરું” છીનવી લેશે. ભરૂચની આ સેવાયક્ષ સમિતિ કહેવાય છે કે સરકાર પાસે આશ્રય સ્થાન માટે જમીનની માંગણી કરી છે પરંતુ સરકાર ગલ્લા તલ્લા કરી રહી છે. સ્થાનિક પ્રજાના સરકારી પ્રતિનિધીઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે સરકારની સંવેદનશીલતા સામે પ્રશ્નાર્થ ખડો થાય છે ??