ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના ભાલોદ ગામે નર્મદા નદીના પાણીમાં વિવિધ જાતના ઝાડી ઝાંખરા નાંખી ઝીંગાના બિયારણની માછીમારી કરાતી હોઇ તે બાબતે અન્ય માછીમારોમાં વિરોધની લાગણી ફેલાઇ હોવાનું જાણવા મળ્યુ છે.વધુમાં મળતી વિગતો અનુસાર તા.૪ નવેમ્બર અને ૨૧ નવેમ્બર ના રોજ માછીમારો દ્વારા જિલ્લા સ્તરે રજુઆત કરી જણાવાયુ છેકે નદીમાં ઝાડી ઝાંખરા નાંખી માછીમારી કરાય છે તેથી અન્ય માછીમારોની જાળોને નુકશાન થાયછે અને હોડી સહેલાઇથી ચલાવી શકાતી નથી.વધુમાં જણાવાયા અનુસાર પાણી પુરવઠા નિગમ દ્વારા તાલુકાના ઘણા ગામોને નર્મદાનું પીવાનુ પાણી પુરુ પડાય છે.નદીમાં ઝાડી ઝાંખરા નાંખી માછીમારી કરાતા નદીમાં પ્રદુષણ ફેલાતુ હોવા ઉપરાંત તેનાથી નર્મદાની આધ્યાત્મિક ગરીમાને માટે પણ તે બાબત નુકશાનકારક હોવાની લાગણી સાથે જિલ્લા સ્તરે રજુઆત કરીને આવી પ્રવૃત્તિ બંધ કરાવવા રજુઆત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છેકે નર્મદા કાંઠા વિસ્તારમાં ઘણા પરિવારો માટે માછીમારી નો વ્યવસાય એક રોજીનું સાધન ગણાય છે.ઝાડી ઝાંખરા નાંખી માછીમારી કરાતા અન્ય માછીમારોની જાળને નુકશાન થતું હોવાની રજુઆત કરવામાં આવી છે.જણાવાયા મુજબ અન્ય લોકો પણ માછીમારીના વ્યવસાયથી રોજી મેળવે તેમાટે કોઇ વિરોધ નથી પરંતુ નદીમાં ઝાડી ઝાંખરા નાંખી માછીમારી કરાતી હોઇ આ બાબત બંધ થવી જોઈએ એવી રજુઆત કરવામાં આવી છે. અગાઉ ગ્રામસભામાં આ બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો એમ પણ આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી