નર્મદા જિલ્લા કલેકટર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર તરીકે અને સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશનર તરીકે વધારાનો હવાલો સંભાળતા આઇ.કે.પટેલની ખેડા જિલલા કલેકટર તરીકે તાજેતરમાં બદલી થતા ગઇકાલે સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી-ટેન્ટસીટી ખાતે “ટીમ નર્મદા” દ્વારા આઇ.કે. પટેલની નર્મદા જિલ્લાની છેલ્લા એકાદ વર્ષની બહુમૂલ્ય સેવાઓને બિરદાવી ભાવભીનુ વિદાયમાન અપાયું હતું.
ગઇકાલે સાંજે ટેન્ટસીટી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એચ.કે. વ્યાસ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારઓ, જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ અને મહેસુલી પરિવાર સહિત “ટીમ નર્મદા” ના કર્મયોગીઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના વિદાય સમારોહમાં તેમને શાલ ઓઢાડીને પુષ્પગૃચ્છ અર્પણની સાથે સ્મૃતિચિન્હ એનાયત કરી સૌ કોઇએ શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નિવાસી અધિક કલેકટર એચ. કે. વ્યાસ, પ્રાયોજના વહીવટદાર આર.વી.બારીયા, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ.હળપતિ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, નાયબ મામલતદાર ભાવેશ ચાવડાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ તરફથી ટીમ લીડર તરીકે પ્રાપ્ત થયેલુ સફળ નેતૃત્વ, વહિવટી કુનેહ, સુઝબુઝ અને કાર્યકુશળતા, વડાપ્રધાન સહિત અન્ય મહાનુભાવોની જિલ્લાની મુલાકાતનું સફળ માઇક્રોપ્લાનીંગ “ટીમ નર્મદા” સાથેના આત્મીયભર્યા વ્યક્તિત્વ સાથેનું અટેચમેન્ટ, સૌમ્ય, સુશીલ, મિલનસાર-દયાવાન સ્વભાવનું વ્યક્તિત્વ, જિલ્લાની વિકાસ કૂચમાં દિર્ધદ્રષ્ટી સાથેની પથદર્શક ભૂમિકાની સાથોસાથ લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના સફળ સંચાલન સાથે સ્વીપની પ્રવૃત્તિઓ થકી રાજ્યમાં સૌથી વધુ સરેરાશ મતદાનમાં દ્વિતિય ક્રમે જિલ્લાએ હાંસલ કરેલ સિધ્ધિઓ સહિત SOU ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમોના સફળ આયોજનોના સંચાલન થકી નર્મદા જિલ્લાને પ્રાપ્ત થયેલા ગૌરવની મુક્તકંઠે ભારોભાર પ્રસંશા સાથે તેઓને અભિનંદન આપ્યાં હતાં અને બદલીથી તેઓ ભલે ટીમ નર્મદાથી દુર થવા છતાં તેઓની છબી “ટીમ નર્મદા” ના હ્રદયમાં કાયમી અંકિત રહેશે તેવી સૌ કોઇએ હ્રદયપૂર્વકની લાગણી વ્યક્ત કરી હતી.
બદલીથી વિદાય લઇ રહેલા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે તેમના સન્માનના પ્રતિભાવમાં “ટીમ નર્મદા” તરફથી તેમની કાર્યપધ્ધતિ અંગે કરાયેલી વિશેષણો અને ગુણોની નવાજીશ ઋણ સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, મારા પ્રત્યે રજૂ થયેલી બાબતો અંગે કેટલું સાચું છે અને હજી મારે કેટલું કરવાનું બાકી છે તેનં્ મારી જાત સાથે મેં મનોમંથન કર્યું છે. જિલ્લાની વિકાસગાથા આગળ ધપાવવામાં અને વડાપ્રધાનશ્રી સહિત અન્ય મહાનુભાવો વગેરેના કેવડીયા ખાતેનાં ભરચક કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડવામાં “ટીમ નર્મદા” નો પ્રસાશનના વડા તરીકે તેમને અનહદ પ્રેમ, હુંફ અને લાગણીસભરતાથી-દિલથી સહયોગ મળ્યો છે અને તેને લીધે જ આ સફળતામાં “ટીમ નર્મદા” ના પ્રત્યેક કર્મયોગીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે અને તેના સાચા હક્કદાર “ટીમ નર્મદા” જ છે. પરંતુ ઇશ્વરે જન્મથી મારી હસ્તરેખાઓમાં જશ રેખા થોડી લાંબી આપી છે એટલે પ્રસાશનના વડા તરીકે જશ મળતો હોય છે, છેવટે આ જશ માટે “ટીમ નર્મદા” જ સાચી હક્કદાર છે, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
શ્રી આઇ.કે. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, ભલે મેં “ટીમ નર્મદા” સાથે માત્ર દસ-બાર મહિના જેવો સમયગાળો વિતાવ્યો છે, પરંતુ આપ સૌની સાથે ઘણા લાંબા સમયથી હું કામ કરતો હોઉં તેવી મારી સતત ફિલીંગ્સ રહી છે અને આ ફીલીંગ્સના સહારે કોઇપણ કામની રૂકાવટ સરળતાથી દુર થઇ શકતી હતી અને તેથી જ “ટીમ નર્મદા” ના અભૂતપૂર્વ સહયોગને લીધે તેમના ચહેરા હંમેશા મારી સ્મૃતિપટ પર છવાયેલા રહેશે, તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.
રાજપીપળા : આરીફ જી કુરેશી