ગુલામહુશેન ખત્રી રાજપારડી
ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના સારસા ગામ પાસે ધોરીમાર્ગ પર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર બે ઇસમો નીચે ફંગોળાતા ઇજાગ્રસ્ત થયા હતા.જ્યારે કારચાલક ની સાથે મુસાફરી કરી રહેલ તેમની પત્ની અને દિકરીને પણ પછડાટથી મુઢમાર વાગ્યો હતો.ઉમધરા તા.ઝઘડીયાના અર્જુનભાઇ વસાવા તેમની માતા બિમાર હોઇ રાજપારડી દવાખાને લઇ ગયા હતા.રાજપારડીથી પાછા ફરતી વેળા સારસા નજીક ઉમધરા જવાના રસ્તા પાસે અંકલેશ્વર તરફથી આવતી એક કાર અને આ બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર અર્જુનભાઇ વસાવા અને સુખદેવભાઇ વસાવા બન્નેને નીચે ફેંકાઇ જવાથી ઇજાઓ થવા પામતા ઉમલ્લા સરકારી દવાખાને સારવાર અપાવવામાં આવી હતી.અંકલેશ્વર ના મનીષભાઇ દિવેચા કારમાં તેમની પત્ની અને પુત્રી સાથે કવાંટ ની આગળ આવેલા તેમના સંબંધીને ત્યાં જઇ રહ્યા હતા ત્યારે સારસા નજીક આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કાર અને બાઇક બન્નેને નુકશાન થયું હતું.આ અંગે રાજપારડી પોલીસમાં ફરિયાદ નંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છેકે આ સ્થળે વારંવાર અકસ્માતો થતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.ઉમધરા જવાના રસ્તા પરનું ગરનાળુ અને ધોરીમાર્ગ પાસપાસે છે. તેથી આ સ્થળે ધોરીમાર્ગ પર બન્ને તરફ ગતિ અવરોધકો મુકાય એવું જનતા ઇચ્છે છે.તંત્ર આ બાબતે ક્યારે આગળ આવશે?એવો પ્રશ્ન પણ જનતામાં ચર્ચાઇ રહ્યો છે.