ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
રાજપારડી ઝઘડીયા વચ્ચેના ધોરીમાર્ગ પર ગઇકાલે એક હાઇવા ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે ખસેડાયો હતો.હાઇવા ટ્રક ના ચાલક શિવશંકર લાલબહાદુર જસવાર રહે.મુંબઇ એ રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ આ હાઇવા ચાલક બે મહિનાથી એક ટ્રાન્સપોર્ટ માં ડ્રાઇવર તરીકે નોકરી કરેછે.તા.૭ મીને ગુરુવાર ના રોજ સવારે સાડા છ વાગ્યે મુંબઇ થી હાઇવા ટ્રક લઇને રાજપારડી સિલિકા સેન્ડ ભરવા નીકળેલ.બપોરના બે વાગ્યાના અરસામાં ઝઘડીયા રાજપારડી વચ્ચે ખડોલી ગામ પાસે સામેથી રોંગ સાઇડે આવી રહેલા એક ટેમ્પો સાથે આ હાઇવા ટ્રક અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટેમ્પોના ચાલકને પગના ભાગે ફેકચર થવા ઉપરાંત તે શરીરના અન્ય ભાગોએ પણ ઘવાયો હતો.દરમિયાન કોઇએ એમ્બ્યુલન્સ ને ફોન કરતા એમ્બ્યુલન્સ દ્વારા આ ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલક ને સારવાર માટે ખસેડાયો હતો.હાઇવા ટ્રક ના ચાલક શિવશંકર જસવારે રોંગ સાઇડે ટેમ્પો હંકારીને લાવીને અકસ્માત સર્જનારા આ ટેમ્પો ચાલક વિરુદ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.ઉલ્લેખનીય છેકે દિવસે દિવસે બિસ્માર બની રહેલા આ ધોરીમાર્ગ પર આડેધડ રોંગ સાઇડે વાહનો દોડતા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા પામી છે.માર્ગ બનાવવાની અધુરી કામગીરી પુર્ણ કરાવવા તાકીદે તંત્ર આગળ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.