ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતા બધા માર્ગોમાં અંકલેશ્વરથી રાજપીપલાનો ધોરીમાર્ગ મહત્વનો માર્ગ મનાય છે.આ માર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી પાછલા લાંબા સમયથી બંધ પડી છે.મુંબઇ સુરત તરફથી સ્ટેચ્યુ ની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે આ માર્ગ મોટું મહત્વ ધરાવે છે.ચારમાર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડતા જનતા હાલાકી ભોગવી રહી છે.જેટલો માર્ગ બન્યો તે પણ ચોમસામાં બિસ્માર બની ગયો.ઉખડી ગયેલા માર્ગ પર મેટલ કપચી છુટા થઇને વાહન ચાલકોને તકલીફ આપી રહ્યા છે.દોડતા વાહનોને કારણે ધુળ ઉડતી દેખાય છે.આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવતા વાહનો ઉપરાંત છોટાઉદેપુર તરફના વાહનો ની પણ અવરજવર મોટા પ્રમાણમાં રહે છે.તાજેતરમાં વડાપ્રધાન ની કેવડીયા ખાતેની મુલાકાત પહેલા આ બિસ્માર માર્ગ પર અમુક સ્થળે ગાબડા પુરીને તંત્ર એ સંતોષ માન્યો હોય એવી લાગણી જનતામાં દેખાય છે.આ માર્ગને છ માર્ગીય બનાવાશે એવી ચર્ચાઓ લાંબા સમયથી ઉઠી રહી છે.દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અને ના.મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ને પત્ર લખીને આ માર્ગને છ માર્ગીય બનાવવા રજુઆત કરવામાં આવી છે.ત્યારે તાકીદે માર્ગની કામગીરી શરુ કરીને તેને સ્ટેચ્યુના મોભા અને શોભાને અનુરુપ બનાવાય તે જરુરી છે.