ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નંદનવન કોમ્પ્લેક્ષ પાસે ભરુચ નગરપાલિકાના પ્રમુખની કાર ખાડામાં ગરકાવ થતાં વિકાસની પોલ ખુલ્લી પડી હતી. પ્રજા પાસેથી તગડો ટેક્સ વસૂલીને પ્રજાને આપવામાં આવતી સુવિધાઓમાં મીંડું જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં ભરૂચ પાલિકા શાસકો નંબર 1 છે. તેની પ્રતીતિરૂપ આ ધટના સામે આવી છે. જયારે પાલિકા પ્રમુખ જ ખાડામાં હોય ત્યારે સામાન્ય પ્રજાની સલામતી શું ? વિકાસની મોટી-મોટી જાહેરાતો કરી બણગાં ફૂંકતા અને પોસ્ટરો પાછળ કરોડો રૂપિયા ખર્ચી વિકાસની વાતો કરવા કરતાં વાસ્તવિકતા વિકાસ થાય તો સામાન્ય પ્રજાને હાડમારી ન વેઠવી પડે અને આવી શરમજનક ધટનાઓ ન બને.
ભરુચનું નગરપાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ જતાં લોકોનો રોષ નગરસેવકો પર પ્રકોપ બનીને વરસી રહ્યો છે. વર્ષોથી પશ્ચિમ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રોડની મરામત કરાતી ન હોવાનો શ્રેય ભરૂચના નગરસેવકોને જાય છે. સૌનો સાથ સૌનો વિકાસ ? કે પછી સૌનો નાશ સૌનો વિનાશ ? અત્ર તત્ર સર્વત્ર ખાડાઓ અને તેના પરિણામે થતાં અકસ્માતોને કારણે ત્રાહિમામ પોકારેલી પ્રજા ઉપરોક્ત પ્રશ્નો સત્તાધીશોને પૂછી રહી છે. આ ફોટો ભરુચ શહેરમાં વાયરલ થતાં આ ધટનાની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે.
ભરુચ નગરપાલિકા પ્રમુખની કાર ખાડામાં
Advertisement