ગુલામહુશેન ખત્રી રાજપારડી
ભરૂચ જિલ્લાના ઉમલ્લા નજીકના રાયસીંગપુરા ગામથી કોલીયાપાડા વણખુંટા પંથકના અંતરિયાળ ગામોની જનતા લાંબા સમયથી રસ્તા બાબતે હાલાકિ ભોગવી રહી હતી.ત્યારે આ બાબતે ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ને રજુઆત કરવામાં આવતા સાંસદે આ ગામોની રુબરુ મુલાકાત લઇને રસ્તાનું જાતે નિરીક્ષણ કર્યુ હતું.ઉલ્લેખનીય છેકે ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોની જનતા બિસ્માર માર્ગ થી ભારે હાલાકિ ભોગવી રહી હતી.રસ્તા ની વ્યવસ્થિત સવલત ના અભાવે રાત વરાત કોઇ દર્દી માટે એમ્બ્યુલન્સ ને આવવામાં પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ દેખાય છે.વળી આ પંથકના વિદ્યાર્થીઓ ને પણ બિસ્માર રસ્તાના કારણે તકલીફો ભોગવવી પડતી હોવાની ચર્ચાઓ પણ જાણવા મળી છે.ઉલ્લેખનીય છેકે ઉમલ્લા નજીક આવેલ રાયસીંગપુરા ગામથી કોલીયાપાડા પાડા વણખુંટા નો જે માર્ગ હાલ બિસ્માર છે.તેને નવેસરથી આયોજન કરીને વિકસાવવામાં આવે તો વણખુંટા ની આગળ આ માર્ગ નેત્રંગ તાલુકાના જેસપોર થઇને નેત્રંગ ડેડીયાપાડા ના માર્ગ સાથે જોડાતા ઉમલ્લા પંથકને આ નવો રુંટ પ્રાપ્ત થઇ શકે.અને આ માર્ગ ને વ્યવસ્થિત રીતે વિકસાવવામાં આવે તો સુંદર રસ્તાની સુવિધા મળતા આ અંતરિયાળ ગામોની જનતાને માટે વાહનવ્યવહાર ની સવલત પણ વિસ્તૃત બની શકે.આ ગામોની વસ્તી ગરીબ આદિવાસી વસ્તી છે.ત્યારે આ ગામો હાલ રસ્તા ના અભાવે જે તકલીફ ભોગવી રહ્યા છે તેની રજુઅાત સાંસદ મનસુખભાઇ ને કરાતા સાંસદે કાર્યકરો સાથે મોટરસાયકલ પ્રવાસ દ્વારા આ ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઇને બિસ્માર માર્ગ નું નિરીક્ષણ કર્યુ હતુ.અને આ ગામોની જનતાની તકલીફ જોઇ હતી.સાંસદે આ પંથકના અંતરિયાળ ગામોને જોડતો માર્ગ વ્યવસ્થિત બનાવવા ઉચ્ચ સ્તરે રજુઆત કરવાની ખાત્રી આપી હતી.સાંસદની મુલાકાત દરમિયાન આ ગામોના નાગરીકોએ વ્યવસ્થિત રસ્તાના અભાવે પડતી તકલીફો જણાવી હતી.આ માર્ગ વ્યવસ્થિત બનતા ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતો નવો રુંટ મળતા આ ગામોનો યોગ્ય વિકાસ શક્ય બની શકે તેમ છે.