ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
આરોગ્ય વિષયક સેવાઓ જનતાને જરુરી પ્રમાણમાં મળી રહે તે માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સરકારી દવાખાનાઓ ની સુવિધા ઉપલ્બધ હોયછે.સરકારી દવાખાનાઓમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાયછે.પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં ૪૧ રૂરલ અને ૫ અર્બન મળી કુલ ૪૬ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે.જાણવા મળ્યા મુજબ ઘણા ખરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માં તબીબ ની જગ્યાઓ ખાલી છે.અને ઘણા આરોગ્ય કેન્દ્રો માં એક તબીબ પાસે એક કરતા વધુ દવાખાના નો ચાર્જ છે.જિલ્લામાં તબીબોની કુલ ૫૯ જેટલી જગ્યાઓ મંજુર થયેલી છે.તેમાંથી ૩૬ જગ્યાઓ પર હાલ ડોક્ટર ની સેવા ઉપલ્બધ છે.સરકારી દવાખાનાઓ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર ની સવલત પણ આરોગ્ય વિષયક સેવાઓ માટે ઉપલ્બધ બનેલી હોયછે.ભરુચ જિલ્લામાં આવેલા ૧૦ જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રો માં પણ ડોકટરો ની કમી હોવાની વિગતો જાણવા મળી છે.જિલ્લાના ઝઘડીયા વાલિયા અને નેત્રંગ તાલુકાઓ મોટી આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓ છે.પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડીયા તાલુકામાં હાલ ૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ઉમલ્લા તેમજ અવિધા એમ બે સ્થળોએ સામુહિક આરોગ્ય કેન્દ્રો ની સવલત ઉપલબ્ધ છે.જેમાંથી પાણેથા,પડવાણીયા અને જેસપોર ના દવાખાનાઓ હાલ તબીબ વિનાના છે.આમાંથી જેસપોર ના દવાખાના નો ચાર્જ રાજપારડી ના તબીબને તેમજ પાણેથા ના દવાખાના નો ચાર્જ ભાલોદ ના તબીબ ને સોંપાયો છે.ઉલ્લેખનીય છેકે એક તબીબ એક કરતા વધારે દવાખાના સંભાળી શકે નહિ.કારણકે દવાખાનાઓ ના કામકાજ નો સમય એક સમાન હોય છે.બે દવાખાના વચ્ચે એકજ તબીબ હોયતો આ તબીબ કોઇ એકજ સ્થળે દર્દીઓને સારવાર આપી શકે,એ સ્વાભાવિક છે.આમાં દર્દીઓને તો હાલાકિ પડેજ છે અને તેની સાથે સાથે તબીબો એ પણ દયાજનક સ્થિતિ માં મુકાવુ પડતુ હોય છે.તબીબો એ તો ના છુટકે એક કરતા વધુ ચાર્જ લેવા પડે છે.પરંતુ દેખીતી વાત છેકે એકજ સમયે આ તબીબો બંન્ને દવાખાના ના દર્દીઓને સેવા ન આપી શકે.જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્રો માં તબીબો ની ખાલી પડતી જગ્યાઓ ભરવામાં આવે તોજ આદિવાસી અને ગરીબ દર્દીઓને સક્ષમ આરોગ્ય સેવાઓનો લાભ મળી શકે.પ્રાપ્ત માહિતી મુજબ સરકારી દવાખાનાઓ માટે એમબીબીએસ તબીબો ની કમી વર્તાય છે.સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબીબોનો ફીક્ષ પગાર અને ૧૧ મહિનાનો કોન્ટ્રાક્ટ હોયછે.વધુમાં જાણવા મળ્યા મુજબ ગામડાઓમાં આવવા એમબીબીએસ તબીબો ખાસ કરીને તૈયાર નથી થતા.ત્યારે આવા તબીબ વિહોણા સરકારી દવાખાના શોભાના ગાંઠીયા જેવા બની જતા હોયછે.સરકારી દવાખાનાઓ માં તબીબ ન હોય પણ અન્ય સ્ટાફ હોય છે.પરંતુ તબીબ ની હાજરી વિનાના સરકારી દવાખાના જેતે પંથકના ગરીબ દર્દીઓને કેવી રીતે સઘન આરોગ્ય સેવા આપી શકે?ઝઘડીયા તાલુકાનું રાજપારડી નગર ભરુચ જિલ્લાનું એક આગળ પડતું વેપારી મથક છે.રાજપારડી નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ્યાં બેસે છે તે જગ્યા કામચલાઉ રીતે આ દવાખાના માટે ફળવાઇ છે.ખરેખર રાજપારડી ના આરોગ્ય કેન્દ્ર માટે યોગ્ય જગ્યા ની ફાળવણી કરવાની બાકી છે.રાજપારડી નગર ઝઘડીયા અને વાલિયા તાલુકાના ઘણા ગામો સાથે સંકળાયેલું છે.સામાન્ય રીતે આરોગ્ય વિષયક સેવા માનવજીવન જીવનમાં એક અનિવાર્ય જરુર ગણાય છે.ગ્રામ્ય સ્તરે આવેલા સરકારી દવાખાનાઓ જો અધતન સેવાઓ સભર હોયતો આદિવાસી વિસ્તારોની ગરીબ જનતાને ઘર આંગણે તબીબી સેવાઓ મળી શકતા ગરીબ જનતાના કિંમતી નાણાં નો યોગ્ય બચાવ થાય.ભરુચ જિલ્લામાં હાલ જે આરોગ્ય કેન્દ્રો માં તબીબો ની કમી છે,તે જગ્યાઓ માટે જો એમબીબીએસ તબીબો ન મળતા હોયતો તેમની જગ્યાએ એલોપથી સારવાર આપી શકે તેવા આયુર્વેદીક કે હોમ્યોપેથ તબીબોથી ખાલી જગ્યાઓ ભરાવી જોઇએ.આમ થાયતો કરોડો ના ખર્ચે ઉભા કરાયેલા સરકારી દવાખાનાઓ ગરીબ દર્દીઓ માટે સાચા અર્થમાં રાહતરુપ પુરવાર થઇ શકે.