નડિયાદ.
નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં ગઈકાલે રાત્રે તસ્કરો ૧ કરોડ ૨ લાખ ૬૪ હજાર ૫૦૦ની મતા ચોરી કરી ફરાર થયા છે.
સુનીતાબેન યોગેશ સિંધી તેમના બે સંતાનો સાથે રહે છે. તેમના પતિ યોગેશભાઈ છેલ્લા દોઢ વર્ષથી જેલમાં છે. સુનીતાબેન તેમના માસીના દીકરીના લગ્નમાં ગયા હતા. તેઓ મોડી રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરી અને પેટી-પલંગમાંથી સોનાના દાગીના જેની કિંમત ૨૨ લાખ ૧૪ હજાર ૫૦૦, ચાંદીના દાગીના જેની કિંમત ૫૦ હજાર અને રોકડ રૂપિયા ૮૦ લાખની ચોરી થઈ હતી. સુનીતાબેને આ રકમ તેમના પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિના કેસ માટે રાખી હતી.
આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં ત્રણ ઈસમો ચોરીનો મુદ્દામાલ સ્કૂલની બેગમાં લઈ જતા નજરે પડ્યા છે. બનાવના પગલે ઘટના સ્થળે FSL અધિકારીઓ, ફીગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્ક્વોડ દોડી આવી તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
આ મામલે સુનીતાબેન નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.