ભરૂચના ધોળીકૂઇ બજાર વિસ્તારની ઘટના
ભરૂચ.
ભરૂચના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં આવેલાં બરાનપુરા ખત્રીવાડ ખાતે રહેતાં જેનીશ ઇન્દ્રવદન તમાકુવાલા બોમ્બે પાનના નામથી જનરલ સ્ટોરની દુકાન ચલાવે છે. ધોળીકૂઇ મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેતો સંદિપ રમેશ ઘીવાલા અગાઉ બેથી ત્રણવાર તેમની દુકાને આવ્યો હતો. અને દુકાનમાંથી સામાન લઇ જતો હતો. જેના રૂપિયા પણ આપતો ન હતો. તેની પાસે રૂપિયાની માગણી કરે તો તેમને માર મારવાની ધમકીઓ આપતો હતો. ઉપરાંત દુકાન ચાલુ રાખવી હોય તો મારી પાસે સામાનના રૂપિયા માગવા નહીં, નહીંતર હું તને દુકાન ખોલવા નહીં દઉ તેમજ અપશબ્દોઉચ્ચારી ધાકધમકીઓ આપતો હતો. દરમિયાનમાં ગાઇકાલે રાત્રે નવેક વાગ્યાના અરસામાં જેનીશ, તેની પત્ની સાથે દુકાનમાં બેઠાં હતાં. અને તેમના પિતા અને ભત્રીજો સુજલ દુકાનની બહાર ઉભા હતાં. તે વેળાં સંદિપ રમેશ ઘીવાલાએ આવી તેમની પાસે સોડાની બે બોટલ તેમજ લસ્સીની થલી માગતા તેમણે તેને આપી હતી. તેની પાસે રૂપિયા માગતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. અરસામાં જેનીશ અને તેમના પિતા ઇન્દ્રવદને તેને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં સંદિપે જેનીશના પિતાના માથા પર સોડાની બોટલ તેમજ લસ્સીની થેલી રેડી અપશબ્દો ઉચ્ચારી પિતા-પુત્રને ઢીકાપાટુંનો માર માર્યો હતો. અરસામાં પોલીસ આવી જતાં પોલીસ સંદિપ ઘીવાલાને પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. ઘટનાને પગલે તેમણે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.